Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખંભાળિયાની મેઈન બજારમાં ભર બપોરે મહિલાઓની ટોળકીએ બાળક સાથે આવી, એક ગોડાઉનમાંથી રૂપિયા 50 હજારની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.પોલીસ મથકે નોંધાયેલ વિગતો મુજબ ખંભાળિયાના ધમધમતા એવા ગાંધી ચોક વિસ્તારમાં આવેલી મેઈન બજારમાં ફ્રુટનું ગોડાઉન ધરાવતા ઈકબાલભાઈ ગનીભાઇ પોપટપૌત્રાના ગોડાઉનમાં બપોરે બારેક વાગ્યાના સુમારે ત્રણ અજાણી મહિલાઓ આવી હતી. નાની બાળાઓ સાથે આવેલી આ મહિલાઓએ જબરજસ્તીપૂર્વક અંદર ઘુસી આવી અને દુકાનદાર પાસે જમવાનું માંગી, થોડી રકઝક કરી હતી. આટલું જ નહીં વેપારીએ આનાકાની કરતા આ મહિલાઓએ ગોડાઉનમાં રહેલા કેળાની માંગણી કરી હતી. દુકાનદાર દ્વારા બાજુના રૂમમાંથી કેળા લેવા જતા પાછળથી તુરંત જ આવેલ મહિલાઓએ વેપારીના કાઉન્ટરના ખાનામાં રહેલા રૂપિયા પચાસ હજારનું એક બંડલ સેરવી લીધું હતું.
આ પછી બાળકી સાથે આવેલી આ ત્રણ અજાણી મહિલાઓ નાસી ગઈ હતી. થોડીવાર પછી વેપારીને માલુમ પડ્યું હતું કે તેમના કાઉન્ટરમાંથી રોકડ રકમની ઉઠાંતરી થઈ છે. તેથી તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ અજાણી મહિલાની ચિટર ગેંગ અંગે પોલીસ દ્વારા આજુબાજુના વેપારીઓ- શોરૂમધારકો વિગેરે સ્થળોએ તપાસ કરી સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં શંકાસ્પદ કેટલીક હિલચાલ સાથેની મહિલાઓ પણ જોવા મળી હતી.
આ મુદ્દે જાણવા મળતી વિગત મુજબ બજાર કેટલીક દુકાનોમાં આ મહિલાઓ ગઈ હોવાનું તથા વેપારીઓને પૂછપરછ કે સંભવિત ચોરીનો પ્રયાસ પણ કરાયો હોવાનું પ્રાથમિક રીતે ચર્ચાઈ રહ્યું છે. જોકે અન્ય સ્થળોએ આ ચીટર મહિલાઓની કારી ન ફાવતા ફ્રુટના આ ગોડાઉનમાંથી રોકડ રકમની ચોરી કરવામાં સફળતા મળી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. આ મામલે હાલ તો ખંભાળિયા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.