વાહનચાલકોને રોકી પોલીસની ઓળખ આપી તોડ કરતી 5 નકલી પોલીસની ટોળકી ઝડપાઈ

એક વાહનચાલક પાસેથી 9 હજાર પડાવી લેતા મામલો સામે આવ્યો

વાહનચાલકોને રોકી પોલીસની ઓળખ આપી તોડ કરતી 5 નકલી પોલીસની ટોળકી ઝડપાઈ

Mysamachar.in-રાજકોટ

વધુ એક વખત થયો છે નકલી પોલીસ બની તોડ કરતી ટોળકીનો પર્દાફાશ....આ વખતે ક્યાય નહિ પરંતુ રાજકોટમાં થી ઝડપાઈ છે, આ ટોળકી જે પોલીસ હોવાનો સ્વાંગ રચી અને લોકો પાસે થી તોડ કરતી હતી પણ અંતે તે અસલી પોલીસના હાથમાં આવી જતા જોયા જેવી થઇ છે, ઝડપાયેલા આરોપીઓએ પોલીસ તરીકેની ઓળખ આપી રૂપિયા 9 હજાર વાહન ચાલક પાસેથી પડાવ્યા હોવાનું ખુલ્યું છે. રાજકોટ પોલીસે નૈતિક સાંગાણી, મહેશ ચુડાસમા, રમેશ રાણેસરા, અમિત ગોહિલ અને વિજય દેવભડીંજી નામના શખ્સોને પકડી પાડ્યા છે.

રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં ગત 28 તારીખે વીંછીયા તાલુકાના ઓરી ગામના સગરામભાઈ ધોરીયા નામના વ્યક્તિ આવ્યા હતા તેમણે પોલીસે રૂપિયા 9 હજાર લીધા હોવાની ફરિયાદ કરી હતી.. જોકે પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચોંકી ગયો હતો અને પીઆઇ જી.એમ.હડિયાએ તપાસ કરવા ડી-સ્ટાફને મોકલ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ફરિયાદીને આંતરીને બે બાઇકમાં આવેલા પાંચ શખ્સોએ પોલીસ તરીકેની ઓળખ આપી પોલીસ સ્ટેશન લઈ જવાનું કહીને 9 હજાર રૂપિયા પડાવી લીધા હોવાનું ખુલ્યું હતું. જેને આધારે પોલીસે ગુનો દાખલ કરી બાઇક નંબર આધારે આરોપીઓને દબોચી લીધા હતા.

પોલીસના કહેવા મુજબ આરોપી નૈતિક સંગાણી મુખ્ય માસ્ટર માઈન્ડ છે. સામાન્ય રીતે પોલીસ તરીકેની ઓળખ આપવાથી સામાન્ય માણસ વાહન ઉભું રાખે છે અને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપવાથી લોકો ડરી જતા હોય છે. આવા વાહન ચાલકોને પોલીસ સ્ટેશન નહીં લઈ જવાના રૂપિયા ખંખેરતા હતા. .પોતાના મોજ શોખ પુરા કરવા માટે આરોપીઓ પોલીસ તરીકેની ઓળખ આપતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. હવે પોલીસ માટે તપાસનો વિષય એ બન્યો છે કે પોલીસના સ્વાંગમાં અત્યાર સુધીમાં કેટલા સમયથી આ ટોળકીએ કેટલા સામાન્ય લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.