Mysamachar.in-જામનગર:
જામનગરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને નેવલ ઇન્ટેલિજન્સ દ્વારા જામનગરમાંથી એક શખ્સને ઝડપી લેવામાં આવ્યા પછી, આ પ્રકરણ વધુ ઘાટું બન્યું છે. એજન્સીએ મુંબઈમાંથી વધુ 50 કિલો ડ્રગ્સ ઝડપી લીધું છે. જેની સાથે જામનગર કનેક્શન હોવાની વિગતો ખૂલતાં સનસનાટી મચી ગઇ છે. NCBએ આ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં જામનગરનાં ભાસ્કર વડોદરીયા સહિત કુલ 4 શખ્સોની ધરપકડ કરી છે. જે પૈકી ભાસ્કરનાં પાંચ દિવસનાં અને અન્ય 3 આરોપીઓનાં ત્રણ-ત્રણ દિવસનાં રિમાન્ડ અદાલતે મંજૂર કર્યા છે.
જામનગરમાંથી આ ડ્રગ્સ ઝડપાયાં પછી, મુંબઈનાં આરોપીઓની પૂછપરછ બાદ દક્ષિણ મુંબઈમાં એક ગોદામ પર દરોડો પાડી વધુ 50 કિલો MD ડ્રગ્સ કબ્જે લેવામાં આવતાં, આ સમગ્ર પ્રકરણમાં ઝડપાયેલાં કુલ 60 કિલો ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 120 કરોડની કિંમત દર્શાવવામાં આવી છે. આ સમગ્ર કેસ સંબંધે NCB નાં ડેપ્યુટી ડાયરેકટર જનરલ એસ.કે. સિંઘએ ટ્વીટ કરીને પત્રકારોને માહિતી આપી છે. ટ્વીટમાં જણાવ્યું છે કે, જામનગરમાંથી ઝડપાયેલાં બે શખ્સો પૈકી એકનું નામ સોહૈલ ગફાર છે. આ શખ્સ 2016 થી 2018 દરમિયાન એર ઇન્ડિયામાં પાયલોટ તરીકે નોકરી કરી ચૂક્યો છે.