Mysamachar.in-જામનગર:
જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં એક આરોપીની અટકાયત બાદ પૂછપરછ સમયે આરોપીએ ઉશ્કેરાઈ જઈ અને પોલીસ સ્ટાફ સાથે અયોગ્ય વર્તન કરી અને પોલીસ અધિકારી પર હુમલો કરી દેતા આ મામલે પોલીસ આરોપી વિરુદ્ધ વધુ એક ગુન્હો નોંધવાની ફરજ પડી છે,
જામનગર સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ જે જલુ દારૂના કેસમાં બુટલેગરની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે આરોપી બુટલેગરે ઉગ્રતા દાખવી પોલીસ અધિકારી પર હુમલો કરી દેતા પોલીસ બેડામાં ચકચાર મચી છે, અને ખુદ પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.જલુએ ફરિયાદી બની આ શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે,પોલીસ ફરિયાદની વિગતે નજર કરવામાં આવે તો જામનગર સીટી એ ડીવીજન પોલીસ મથકમાં દારૂના ગુન્હામાં જેની સંડોવણી ખુલવા પામી હતી તે બુટલેગરે કોર્ટમાં સરેન્ડર કરતા પોલીસ તેની વિધિવત રીતે અટકાયત કરી પોલીસ મથક ખાતે લાવી હતી, જે બાદ ગતરાત્રીના અન્ય આરોપીઓની જેમ આ આરોપીની પણ પૂછપરછ વખતે આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ અને હાજર પોલીસ સ્ટાફને મનફાવે તેમ બોલવા લાગ્યો હતો અને “તમને બધાને હું જોઈ લઈશ” તેવી ધમકીઓ મારી હતી, જે બાદ આરોપી જેની પૂછપરછ ચાલી રહી હતી તેને પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.જલુ પર હુમલો કરી દીધો હતો.
સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ગત વર્ષે દારૂ સંબંધિત ત્રણ ગુના નોંધાયા હતા. આ ગુનામાં આરોપી મહાવીરસિહ દેવાજી ભારાજી જાડેજા રહે.રણજીતસાગર રોડ પ્રણામીનગર સાંઇબાબાના મંદીર પાસે જામનગર વાળાની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું, જે દરમિયાન આરોપીએ ગઈકાલે કોર્ટમાં સરેન્ડર કરતા સીટી એ ડીવીજન પોલીસે આરોપીની વિધિવત અટકાયત કરી પોલીસ મથક ખાતે લાવી અને પૂછપરછ કરવામાં આવી રહી હતી તે દરમ્યાન આરોપી મહાવીરસિંહ જાડેજાએ પોતાના હાથમાં પહેરાવેલ હથકડી કે જેનો એક છેડો છુટો હોય તેનાથી પોતાના માથામાં મારતા તેમજ પોતાને જે જગ્યાએ બેસાડેલ તેની પાછળની દિવાલમાં માથા ભટકાડતા લોહી નીકળવા લાગતા પીએસઆઈ એમ.વી.મોઢવાડીયા સહિતના હાજર સ્ટાફે આરોપીને રોકવા પ્રયાસ કર્યો હતો. જે બાદ અતિ ઉગ્ર બની ચુકેલા આરોપી મહાવિરસિંહ જાડેજાએ પોતાના હાથમાં પહેરાવેલ હથકડી વડે પીઆઈ એમ.જે.જલુ પર હુમલો કરી દીધો હતો.
જેમાં પીઆઈને હાથની આંગળીમાં ફેક્ચરની ઇજા પહોચી હતી, હાથમાં ઈજા પહોચતા પીઆઈ એમ.જે.જલુએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી, બીજી તરફ પોતે પોતાને હાથે ઈજાઓ પહોચાડતા આરોપીને ખુદને માથામાં ઈજાઓ પહોચતા જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અને અગાઉ પણ પોલીસ વિરુદ્ધ અરજીઓ અને ફરિયાદ કરનાર આ શખ્સે ગઈકાલે પણ પોલીસને પોતાની હાથે ઈજાઓ પહોચાડી અને તમને બધાને હું જોઈ લઈશ તેવી ધમકીઓ પણ ઉચ્ચારી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું, જે બાદ આ બનાવ અંગે પોલીસે આરોપી મહાવીરસિંહ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.