બીલ મંજુર કરવા મદદનીશ ઈજનેરે માંગી 1.11 લાખની લાંચ અને ઝડપાઈ ગયો

માર્ગ મકાન વિભાગ જીલ્લા પંચાયતનો કર્મચારી

બીલ મંજુર કરવા મદદનીશ ઈજનેરે માંગી 1.11 લાખની લાંચ અને ઝડપાઈ ગયો

Mysamachar.in-પોરબંદર

સરકારી નોકરીમાં તગડો પગાર છતાં લાંચમાં મોઢા નાખતા બાબુઓ પર એસીબી તવાઈ બોલાવી રહી છે, ત્યારે પોરબંદરમાં પણ આવી જ એક સફળ ટ્રેપ એસીબી મદદનીશ નિયામક એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર એસીબી ટીમ દ્વારા કરવામાં આવી છે, જેમાં મળતી વિગતો પ્રમાણે  પોરબંદરના જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઈજનેરને 1.11 લાખની લાંચ લેતા રંગેહાથ એલસીબીએ ઝડપી લીધા છે,

પોરબંદર જિલ્લામાં ભારાવાડા થી રાંદલ મંદીર, ખાંભોદર તરફ જતો રસ્તો તથા બગવદર થી રાંદલ મંદીર થઈ કીંદરખેડા તરફ જતા રોડના કામો પેટા કોન્ટ્રાક્ટમાં રાખી કામો પુર્ણ કરેલ જે કરેલ કામના બિલો મંજૂર કરવાના અવેજ પેટે પોરબંદર જિલ્લા પંચાયત કચેરીના માર્ગ અને મકાન વિભાગમા મદદનીશ ઈજનેર કલાસ 2 કર્મી મિલન સુરેશભાઈ રાયઠઠાએ ફરિયાદી પાસેથી 1,11,000 ની લાંચની માંગણી કરી હતી,

જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી ફરિયાદીએ એસીબી ટોલ ફ્રી નંબરનો સંપર્ક કરી પોતાની ફરીયાદ જાહેર કરતાં તેઓની ફરીયાદ આધારે ગુરુવારે ડી.વી. રાણા, એ.સી.બી. પો.સ્ટે. સુરેન્દ્રનગર તથા સ્ટાફ દ્વારા આ અંગે છટકુ ગોઠવ્યુ હતું. દરમ્યાન ફરીયાદી પાસેથી 1,11,000 ની માંગણી કરી, સ્વીકારી, સ્થળ પર  મદદનીશ ઈજનેર મિલન રાયઠઠા છટકામાં લાંચ લેતા ઝડપાઇ ગયો હતો.