હત્યા,ખુની હુમલા,પોલીસ અને અધિકારી સાથે મારામારી,ફાયરીંગના બનાવો માટે જવાબદાર કોણ?

ખનીજ માફીયા તત્વો માથુ ઉચકે છે

હત્યા,ખુની હુમલા,પોલીસ અને અધિકારી સાથે મારામારી,ફાયરીંગના બનાવો માટે જવાબદાર કોણ?
ફાઇલ તસ્વીર

Mysamachar.in-જામનગર:

રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને મસમોટા દાવા કરીને સબસલામતના બણગા ફૂંકવામાં આવી છે ત્યારે જામનગર જીલ્લામાં જુદા-જુદા કારણોસર ઉપરાંત રેતીની ખનીજ ચોરીના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભાંગી પડી હોવાનું અનુભવાય રહ્યું છે,

મળતા અહેવાલ મુજબ ધ્રોલ-જોડીયા વિસ્તારમાં રેતી ચોરી કરતાં ખનીજ માફીયા તત્વો હવે માથું ઉચકતા જતા હોવાથી પોલીસથી માંડીને ખાણ-ખનીજ વિભાગને પણ દાદ દેતા નથી,

જેના કારણે આ વિસ્તારમાં છાસવારે ખૂની હુમલા,મારમારી,કથિત હત્યા,ફાયરીંગ,આગજની,જુથ અથડામણ સહિતની ઘટનાઓ પાછલા વર્ષોમાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે અને તંત્રને આ તમાશો જોવા પાછળનું કારણ પેટમાં પડી ગયું હોવાથી સહન કરવું પડે છે અને તેના વગર છૂટકો પણ નથી?

અત્રે ઉલ્લેખનીય છે કે,રેતીકાંડના કારણે ગત વર્ષે બે ફાયરીંગની ઘટના બની હતી,સોયલ ટોલ નાકા પાસે કથિત હત્યા પાછળ રેતીચોરી ક્યાકને ક્યાક કારણભુત છે.અગાઉ જોડીયાના આણંદા ગામે પોલીસમેન પર હુમલો,કુન્નડ પાસે ખૂની હુમલાના બનાવો પણ સામે આવી ચૂક્યા છે,

દરમ્યાન તાજેતરમાં ધ્રોલમાં ભરવાડ અને મુસ્લીમ વચ્ચે જુથ અથડામણમાં P.S.I. વાઘેલાને સસ્પેન્ડ થવું પડ્યું તેની પાછળ ક્યાકને ક્યાક રેતી પ્રકરણ માનવામાં આવી રહ્યું છે,

વધુમાં ધ્રોલ-જોડીયા વિસ્તારમાં રેતીની ખનીજ ચોરીનો મામલો ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચતા ધ્રોલના માવાપર ગામના ભરવાડ યુવકે આપઘાત કરવાનો પ્રયાસ કર્યાના બનાવ બનવા છતા તંત્ર સુધરવાનુ શા માટે નામ લેતું નથી?

આમ ધ્રોલ-જોડીયા વિસ્તારમાં રેતીની ખનીજ ચોરી તંત્રના નાક નીચે થઈ રહી હોવાથી ભવિષ્યમાં મોટી ઘટના બને તેના માટે કોને જવાબદાર ગણવા તેવા સવાલો વચ્ચે જામનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું આ સાચું ચિત્ર છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.