કોર્પોરેશનની ઘોર ખોદતી એકાઉન્ટ શાખામાં મસમોટુ કૌભાંડ કે શું.?

ચેરમેનના ઠરાવનો ઉલાળીયો...આવક જાવક અદ્ધરતાલ

કોર્પોરેશનની ઘોર ખોદતી એકાઉન્ટ શાખામાં મસમોટુ કૌભાંડ કે શું.?

Mysamachar.in-જામનગર:

જામનગર કોર્પોરેશનની એકાઉન્ટ શાખા જાણે ઘોર ખોદતી હોય તેવુ ચિત્ર છેલ્લા ઓડીટ રિપોર્ટ ઉપરથી ઉપસે છે, આવક જાવકની છેલ્લી સ્પષ્ટ સ્થિતિ ઓડીટમા રજુ કરાતી નથી, જે અંગે સ્ટેન્ડીંગ ચેરમેને નિયમિત રહેવા ઠરાવ કર્યો છે, તે પણ ઘોળીને પી જવાયો છે જો કે અમુક જાણકારોના મતે હિસાબી ચોખ્ખી અને સાચી સ્થિતિ જાહેર જ ન કરવા બાબતે ઓડીટ-એકાઉન્ટ શાખાઓનુ ગઠબંધન હોઇ માત્ર અદ્ધરતાલ આકડા માયાજાળ રજુ કરી અપાય છે, અને કરૂણતા એ છે કે સતાધારી પાંખ આ અનિયમિતતા  વિશે પણ કડક પગલા લેતુ નથી અને માત્ર ઠરાવ કરી બેસી જવાય છે,

ઓડીટરે નોંધ્યુ છે કે મિલકત દેવાનુ પત્રક-બેલેન્સ શિટ ( જે હિસાબનુ હાર્દ છે) તે ઉપરાંત બાકી રહેલી ગ્રાંટ નુ પત્રક, આખર સિલક કેશબુક પાસ બુક  સિલક મેળવણા પત્રક બેંક રીકન્સીલીએશન પત્રકો તસલમાત ક્લીયર અન ક્લીયરનુ નામ વાઇઝ પત્રક ગ્રાન્ટ લેપ્સની માહિતી ચેક રીટર્ન બાદ શુ કર્યુ તેના ખુલાસા વગેરે જેવી સંવેદનશીલ બાબતો ઓડીટ માટે રજુ જ નથી, આ બાબત સ્ટેન્ડીંગ ચેરમેન પાસે પહોંચતા જેમ બીજા મહત્વના પોઇન્ટસ ઠરાવ મા આવરી લીધા તેવી જ રીતે આ મુદાઓ ગંભીરતાથી લઈ ત્રીસ દિવસમા પુર્તતા કરવાનો આદેશાત્મક ઠરાવ કર્યો છે,

નોંધપાત્ર છે કે ગત વર્ષે આ જ ઠરાવ કરાયેલો છતાય એકાઉન્ટ શાખાએ  સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનના ઠરાવનો ઉલાળીયો કરી વિગતો પુરી ન પાડી તે હજુ સુધી ન જ પાડી અને આદેશ ઘોળીને પી જવાયેલા ઠરાવની અમલવારી સતાધારી પાંખ કરાવી પણ ન શકી તે વિશેષ કરૂણ બાબત છે, સ્ટે. કમિટીએ આ બાબતે ગંભીર નોંધ લેવા સિવાય કોઇ કાર્યવાહી ન કરતા તે શાખાને તો મજ્જા પડી ગઇ છે, હિસાબ જેવી મહત્વની બાબતે જરૂરી દસ્તાવેજો રજુ ન કરાય એ તો માત્ર જામનગર કોર્પોરેશનમાં જ ચાલે અને આ અનિયમિતતા નિયમિત રીતે થઇ રહી છે, છતા કોઇના પેટનુ પાણી હલતુ ન હોય ૭૦૦-૭૦૦.....૮૦૦-૮૦૦  કરોડના બજેટવાળા આ કોર્પોરેશનમા કોઇ નાણાકીય મોટુ કૌભાંડ તો આકાર નથી લઇ રહ્યુ ને તે સવાલ સહેજે થાય? સરકારના નાણા વિભાગમા આ બાબતે કોઇ વ્યવસ્થિત રીતે રજૂઆત કરે અને રાજ્યસ્તરીય તપાસ થાય તો સત્ય બહાર આવી શકે તેમ છે.