આ ગામમાં દારૂને લઇને વિચિત્ર ફરમાન, જાણીને તમે જ કહેશો વાહ...

વડીલોનો નિર્ણય કામ કરી ગયો

આ ગામમાં દારૂને લઇને વિચિત્ર ફરમાન, જાણીને તમે જ કહેશો વાહ...
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-બનાસકાંઠાઃ

રાજ્યમાં દારૂબંધીને લઇને રાજકીય અનેક નિવેદનો થયા, પોલીસ ટીમ દ્વારા અઠવાડિયા સુધી દેખાવડી કાર્યવાહી પણ કરાઇ, લાખો રૂપિયાનો દારૂ પણ પકડાયો જો કે રાજ્યનું એક ગામ એવું છે જેણે પોલીસ કે સરકારની જેમ દેખાડો કરવાની કામગીરીથી ઉપર ઉઠીને દારૂબંધીનો સીધો જ વિચિત્ર રીતે અમલ કરાવ્યો. આ ગામ છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનું ખાતિસિતારા, નામની જેમ જ આ ગામે સિતારા જેવું કામ કરી દેખાડ્યું. ગામના વડીલોએ દારૂ દુષણને ડામવા એક વિચિત્ર નિયમ બનાવ્યો, જેનો અમલ કરવો ફરજિયાત બની ગયો છે, કારણ કે જો અમલ ન કર્યો તો મોટી કિંમત ચૂકવવી પડે છે.

બનાસાકાંઠાનું ખાતિસિતારા ગામ આમ તો પાડોશી રાજ્ય રાજસ્થાનની બોર્ડરે આવેલું છે. રાજસ્થાનમાં દારુબંધી નથી, આથી સ્વાભાવિક છે કે પાડોશીની અસર ગામમાં દેખાઇ, ગામના કેટલાક લોકો દારૂના ઉંધા રવાડે ચડી ગયા હતા. જો કે કંટાળીને ગામના જ વડીલોએ વિચારીને એક અદભૂત નિર્ણય લીધો. જે અંતર્ગત જો ગામનો કોઇ વ્યક્તિ દારૂ પીતા પકડાશે તો તેને સ્થળ પર જ રૂપિયા બે હજારનો દંડ ભરવાનો રહેશેસ જો દંડ ન ભરવાની માથાકૂટ કરે તો રકમ વધારીને પાંચ હજાર કરવામાં આવશે, એટલું જ નહીં ગામમાં વસતા 750થી 800 લોકોને મટન-બાટીની પાર્ટી કરાવવી પડશે. ખાતિસિતારા ગામ આખાને જમાડવાનો ખર્ચ અંદાજે 20 હજારથી વધુનો થાય છે. રાજ્યમાં દારૂબંધીને લઇને હાલમાં જ સવાલો ઉઠ્યા અને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો થઇ રહ્યાં છે પરંતુ છેવાડે આવેલા ખાતિસિતારા ગામે તો આવો નિયમ 201-14થી જ લાગુ કરી દીધો હતો. આ નિયમ બનાવ્યા બાદ ગામમાં એવો સુધારો આવ્યો કે 2018માં તો માત્ર એક જ ઘટના બની, જ્યારે 2019માં તો એકેય ઘટના બની નહીં. હવે તમે જ કહો આ વિચિત્ર ફરમાનથી ગામમાં દારૂનું દુષણ પણ દૂર થઇ ગયું અને તેના કારણે થતા ઝઘડાઓ પણ બંધ થઇ ગયા.