બિનવારસી પાકિસ્તાની બે બોટ ઝડપાઇ, BSFએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન

સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર

બિનવારસી પાકિસ્તાની બે બોટ ઝડપાઇ, BSFએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન
BSF જવાનની ફાઇલ તસવીર

Mysamachar.in-કચ્છ

છેલ્લા કેટલાક સમયથી આતંકીઓ ભારતમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હોવાના ઇન્ટેલિજન્સ ઇનપુટ મળી રહ્યાં છે. અમેરિકન જાસુસી એજન્સીએ પણ શંકા વ્યક્ત કરી છે કે આતંકીઓ ભારતમાં મોટા હુમલા કરી શકે છે, એવામાં સેના તથા પોલીસ સ્ટાફ એલર્ટ પર છે, જો કે આ દરમિયાન કચ્છના સિરક્રિકમાંથી બિનવારસી સ્થિતિમાં બે પાકિસ્તાન બોટ ઝડપાતા સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ BSFના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે આ બંને બોટ ફિશિંગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

પ્રાથમિક વિગત પ્રમાણે કચ્છના સિરક્રિકમાંથી બે બિનવારસી પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવી છે. BSFના પેટ્રોલિંગ દરમિયાન આ બંને બોટ બિનવારસી મળી આવી હતી. તો કહેવામાં આવી રહ્યું છે કે આ ફિશિંગ બોટમાં સવાર માછીમારો બોટ છોડી ક્રિકમાંથી પાકિસ્તાન તરફ નાસી છૂટ્યા છે. જો કે તેમનો સામાન બોટમાં જ પડ્યો હતો જે સેનાએ પોતાના કબ્જે લીધો છે.  બોટ મળતા જ સેનાના જવાનો સતર્ક થઇ ગયા છે અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આશંકા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાનમાં પ્રશિક્ષણ પામેલા આતંકીઓ કચ્છથી કેરળ સુધીના દરિયાઇ માર્ગેથી ઘૂસીને દેશમાં કોઇ મોટા હુમલાને અંજામ આપી શકે છે. દેશની સેના આવા નાપાક પ્રયાસ કરનાર આતંકીઓને છોડશે નહીં.હું આપણા દેશના દરેક નાગરિકને ભરોસો આપવા માગું છું કે, નૌકાદળ કોઇપણ પ્રકારના પડકારને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.