હાલારના આ ૬૪ ગામ ના તળના  ગ્રાઉન્ડ રિપોર્ટ "અનફિટ"

જાણો બંને જીલ્લાના એ ગામો ક્યાં..

 હાલારના આ ૬૪ ગામ ના તળના  ગ્રાઉન્ડ રિપોર્ટ "અનફિટ"

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લાના ૨૧ ગામડાઓના ભૂગર્ભ જળ પીવાલાયક રહ્યાં ન હોવાનું ખુદ તંત્રનો રીપોર્ટ કહી રહ્યો છે,જો કે જિલ્લાના આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠા બોર્ડ વચ્ચે સંકલન ન હોવાથી જિલ્લાના હજારો લોકો ઉપર ગંભીર રોગોનું જોખમ તોળાઇ રહ્યું છે,જિલ્લાનો આરોગ્ય વિભાગ ૨૧ ગામડાઓના ભુગર્ભ જળ પ્રદુષિત હોવાનું કહી રહ્યું છે,છતાં પાણી પુરવઠા બોર્ડ આ વાત માનવા તૈયાર જ નથી.

પ્રાપ્ત થયેલી સ્ફોટક વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ,જામજોધપુર,જામનગર,જોડીયા,કાલાવડ અને લાલપુર સહીતના તાલુકાના ૨૧ ગામડાઓના ભુગર્ભજળ અનફીટ એટલે કે પીવા લાયક નથી.આ વિગતો જિલ્લાપંચાયતના આરોગ્ય વિભાગના સર્વેના માઘ્યમથી પણ સમર્થન મળી રહે છે,


જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીએ થોડા સમય પહેલા સર્વે કરાવ્યો હતો,ગામે-ગામથી પાણીના સેમ્પલ લીધા હતાં,જેનો રીપોર્ટ કરાવતાં જાણવા મળ્યું હતું કે,જામનગર જિલ્લાના અનેક ગામડાઓના ભુગર્ભ જળ હવે પીવા લાયક રહ્યાં નથી,આ રીપોર્ટ પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોને સબમીટ કરાયો હતો,જોકે પાણી પુરવઠા બોર્ડ આ વાતનો ઈન્કાર કરી રહ્યું છે,અને ભુગર્ભ જળ પીવા લાયક હોવાનો દાવો કરી રહ્યું છે,


નોંધનીય છે કે,જામનગર જિલ્લાના ભુર્ગભ જળમાં ફલોરાઇડનું પ્રમાણ ઓછું કરવા વિવિધ પગલા લેવામાં આવે છે,પરંતુ હવે પાણી પીવાલાયક રહ્યા ન હોવાનો રીપોર્ટ દબાવી દેવાનો હીન પ્રયાસ તંત્ર દ્વારા થયો છે,અલબત ભુગર્ભ જળ અનફીટ હોવાનો તંત્રનો રીપોર્ટ લોકો સામે લાવવાનો માય સમાચારે નિર્ધાર કર્યો છે,અને આ આંકડા સરકારના વિભાગ દ્વારા જ લેવાયેલા સેમ્પલ બાદ બહાર આવ્યા છે, તાલુકાવાઇઝ અમુક ગામડાંઓમાં પાણી અનફિટ હોવાનું જાહેર થયું છે,

-પાણી પુરવઠા બોર્ડ કહે છે ફક્ત એકજ ગામમાં ભૂગર્ભ જળ દૂષિત છે.!

જામનગર જિલ્લાના ૨૧ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૪૩ ગામોના ભૂગર્ભ જળ અત્યંત દૂષિત કહી શકાય તેવા સરકારી રિપોર્ટમાં આંકડા બહાર આવ્યા છે,અને ખુદ આરોગ્ય વિભાગ પણ કબૂલ કરી રહ્યું છે કે,હાલારના કુલ મળી ૬૪ ગામોમાં પાણીના સેમ્પલિંગમાં ચોંકાવનારી હકીકતો વચ્ચે લોકો ઉંચા TDS અને ફ્લોરાઇડ,મેગ્નેશિયમ જેવા શરીર માટે હાનિકારક રસાયણ તત્વોવાળું પાણી પી રહ્યાં છે,ત્યારે આ મામલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીઓ કહે છે કે,જામનગર જિલ્લામાં ફક્ત એક જ ગામમાં ભૂગર્ભ જળ દૂષિત છે,આ સંજોગોમાં વાંચકો માટે અત્રે રજૂ કરાયેલો આ રિપોર્ટ સરકારના જ આંકડા મુજબ છે,આ સંજોગમાં સાચું કોણ?આરોગ્ય વિભાગ કે પાણી પુરવઠા બોર્ડ?આ સવાલનો જવાબ લોકોની સુખાકારી માટે મહત્ત્વનો છે.

-દેવભૂમિ દ્વારકાના ગામડાંઓમાં ૫,૨૪૮ TDSનું પાણી! કેલ્શિયમ,મેગ્નેશિયમ,નાઇટ્રેટ,ફ્લોરાઇડ લટકામાં

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાંઓના ભૂગર્ભ જળની પરિસ્થિતિ પણ કઇંક આવી જ છે,દ્વારકાના ભાણવડ,ખંભાળિયા, કલ્યાણપુર અને ઓખામંડળ સહિતના તાલુકાના ૪૩ ગામના લોકો ભૂગર્ભ જળના નામે ઝેરસમાન પાણી પી રહ્યાં છે,આ ગામડાંઓની ડંકી,બોરવેલ અને કૂવાના પાણીમાં હાનિકારક તત્વોનું પ્રમાણ ખૂબ જ છે,આ મામલે તંત્ર કયારે કુંભનિંદ્રા માંથી જાગશે એવા સવાલો ઉઠી રહ્યાં છે.દ્વારકાના ૪૩ ગામડાંઓના ભૂગર્ભ જળમાં TDS,ક્ષાર,મેગ્નેશિયમ, કેલ્શિયમ,ક્લોરાઇડ અને નાઇટ્રેટનું પ્રમાણ જોખમી કક્ષાએ પહોંચી ગયું છે,સામાન્ય રીતે પાણીમાં TDSનું પ્રમાણ ૫૦૦ થી ૫૫૦ હોય તેને બદલે દ્વારકા જિલ્લાના

-મોટાંભાગના ગામોમાં ૭૦૦ TDS થી લઇ ૫,૨૪૮ TDS સુધીનું પાણી છે...

ડઝનબંધ ગામોમાં TDSની માત્રા ૧૦૦૦ થી લઇ ૩૦૦૦ અને સૌથી વધુ કલ્યાણપુરના મહાદેવિયા ગામમાં ૫,૨૪૮ TDSનું પાણી લોકો પી રહ્યાં છે,ઉલ્લેખનિય છે કે,દ્વારકા જિલ્લાના ૪૩ગામોમાં ભૂગર્ભ જળમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ,ક્લોરાઇડ,સલ્ફેટ,નાઇટ્રેટ,ફ્લોરાઇડની માત્રા ખૂબ જ ઉંચી હોવાનું સરકારના ટેસ્ટિંગ રિપોર્ટમાં જ સામે આવ્યું છે,આમ છતાં પ્રજાજનોના હિતમાં હજૂ સુધી એકપણ સત્તાધિશો દ્વારા લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી નથી કે આવા લાંબા ગાળાના આયોજન પણ કર્યા નથી.