'છોકરી પાછી જશે તો પૈસા પાછા' દલાલ દ્વારા 'માસુમ'ને વેચવાનું કૌભાંડ

તસવીરો અને વીડિયો વાયરલ

'છોકરી પાછી જશે તો પૈસા પાછા' દલાલ દ્વારા 'માસુમ'ને વેચવાનું કૌભાંડ

Mysamachar.in-બનાસકાંઠાઃ

પૈસા કમાવવાની લાલચે માસુમ કિશોરીને વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની વાત સામે આવી છે. સગીર વયની યુવતી અને પુખ્ત વયના પુરુષ સાથેના લગ્નની સોશિયલ મીડિયામાં તસવીરો અને વીડિયો વાયરલ થતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. વાત છે બનાસકાંઠાના જિલ્લાના દાંતા તાલુકાના ખેરમાળ ગામની જ્યાં એક 17 વર્ષની આસપાસની ઉંમરની કિશોરીને પુખ્ત વયના પુરુષ સાથે પરણાવી દેવામાં આવી.ખુદ સગીરાના માતા-પિતાએ સમગ્ર હકીકત જણાવી ચોંકાવનારા ખુલાસા કર્યા હતા, જેમાં તેઓએ જણાવ્યું કે દલાલ મદદથી તેઓએ તેની 17 વર્ષિય દીકરીના લગ્ન અમદાવાદ કરાવ્યા હતા. લગ્ન પહેલા દલાલ દ્વારા સોદાબાજી કરાતી હોય તેવો વીડિયો પણ ફરતો થયો છે, જેમાં દલાલ કહી રહ્યો છે કે છોકરી ભાગી જાય કે લગ્ન ફોક જાય તો પૈસા પાછા. પોલીસે વીડિયો અને તસવીરોને આધારે તપાસ હાથ ધરી છે.

કિશોરીના એક યુવક સાથેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી, ત્યારબાદ તપાસ કરતાં સામે આવ્યું કે રેશનકાર્ડમાં કિશોરીની ઉંમર 17 વર્ષની આસપાસ છે. સમગ્ર મુદ્દો ઉછળતા ખેરમાળ ગામના સરપંચ દ્વારા જિલ્લા પંચાયતના સભ્યને જાણ કરવામાં આવી, તેઓએ પણ રૂપિયા માટે વચેટિયાઓ દ્વારા માસુમને વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની શંકા વ્યક્ત કરી છે. જો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરો અને વીડિયો ક્યારના છે તે અંગે હાલ કોઇ માહિતી સામે આવી નથી, પરંતુ સમગ્ર જિલ્લા અને રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠ્યા છે.

જો કે બાદમાં સગીરાના પરિવારે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું કે તેઓએ તેની 17 વર્ષીય દીકરીને 50 હજારમાં વેચી હતી. દલાલ જગમાલ ગમાર દ્વારા 50 હાજરમાં સગીરાને વેચી અમદાવાદ લગ્ન કરાવ્યા હતા. બે મહિના પહેલા સીતળા સાતમના મેળામાં સગીરાનો સોદો કર્યો હતો. સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થતા પોલીસ તંત્ર અને બાળલગ્ન પ્રતિબંધક વિભાગની ઉંઘ ઉડી અને સગીરાના માતા-પિતા પાસેથી જરૂરી દસ્તાવેજ કબજે કર્યા હતા અને દલાલ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની કામગીરી શરૂ કરી હતી.