નવા બે ફાયરસ્ટેશન શહેરમાં બનશે...પણ સ્ટાફ..?

ખાટેલ મોટી ખોટ બનાવીને શું કરશો..

નવા બે ફાયરસ્ટેશન શહેરમાં બનશે...પણ સ્ટાફ..?
file image

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2020/21 માટેનું વાર્ષિક બજેટ મંજુર થયું, અને બજેટમાં શહેરની વધતી વસ્તી અને હદદિશાઓને જોતા શહેરી વિસ્તારમાં બે નવા ફાયર સ્ટેશનો કાર્યરત કરવાનું પણ સૂચવવામાં આવ્યું છે, જેમાં એક ફાયર સ્ટેશન લાલપુર બાયપાસ નજીક અને અન્ય એક ફાયરસ્ટેશન હાપા નજીક કરવાની વાત સામે આવી છે, સારી બાબત છે..આવશ્યક સેવાઓ શહેરમાં વધે તેમાં સંદેહ ના હોય પરંતુ આ બન્ને ફાયરસ્ટેશન માટે લાખો કરોડોનો ધુમાડો કરતા પૂર્વે જોવાની જરૂર એ છે કે શું હાલના જે ત્રણ ફાયર સ્ટેશનો કાર્યરત છે...ત્યાં પણ પુરતો સ્ટાફ અને સાધનસામગ્રી છે ખરા.?

જામનગર મહાનગરપાલીકાના હાલના ફાયરવિભાગમાં જાણવા મળતી માહિતી મુજબ 50% થી વધુ તો જગ્યાઓ જ ખાલી છે..આ તો ફાયર ઓપરેટર એ સિવાય પણ અધિકારીકક્ષાના જેવા કે આસીસ્ટન્ટ ફાયર ઓફિસર સહિતની પણ દસેક જગ્યાઓ આજકાલથી નહી પરંતુ વર્ષોથી ખાલીખમ પડી છે.તો અન્ય મહાનગરોની સરખામણીએ હોવી જોઈતી અત્યાધુનિક સાધનસામગ્રી પણ જામનગર ફાયર વિભાગ પાસે નથી પરિણામે ક્યારેક જો મોટી દુર્ઘટના ઘટે તો જોવા જેવી થાય...અને દશેરાએ ઘોડું ના દોડે તેવું પણ બને...કારણ કે મનપા દ્વારા આડેધડ ગલીખાંચાઓમા કોર્મશિયલ અને રેસીડેન્સીયલ મોટી મોટી ઇમારતો ને મંજૂરીઓ આડેધડ આપી દેવામાં આવી છે. જ્યાં કોઈ મોટી દુર્ઘટના ઘટે તો અંતે રાબેતામુજબ ફાયર વિભાગ પર ઠીકરું ફોડીને અન્ય વિભાગો બચી જશે.

-યોગ્યકક્ષાએ સ્ટાફ અને સાધનસામગ્રી માટે રજૂઆત કરી છે.
મનપાના ચીફ ફાયર ઓફીસર કે.કે.બિશ્નોઈને જયારે આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે તેવોએ કહ્યું કે નવા ફાયર સ્ટેશનો નિર્માણ પામશે એટલે સ્ટાફ અને સાધનો બને જોઈશે, માટે અમે યોગ્યકક્ષાએ આ માટે રજૂઆત કરી છે.અને યોગ્ય કાર્યવાહી ટૂંકસમયમાં થઇ જશે તેવું લાગે છે.