નકલી પોલીસ બની 36 લોકો પાસેથી કર્યો તોડ, બંને પકડાયા

બંને યુવકો જેલ હવાલે

નકલી પોલીસ બની 36 લોકો પાસેથી કર્યો તોડ, બંને પકડાયા

Mysamachar.in-વડોદરાઃ

તહેવારોની સીઝનનો ફાયદો ઉઠાવવા નીકળેલા બે યુવકોને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. જો કે આ શખ્સોએ પૈસા કમાવવા માટે એવો રસ્તો અપનાવ્યો કે હવે પછતાવાનો વારો આવ્યો છે. વાત વડોદરા શહેરની છે, અહીં બે યુવકો પોલીસ હોવાનું કહી રોફ જમાવી તોડ કરતાં હતા. હંમેશા પોલીસના ચક્કરમાં ન ફસાવાનું યોગ્ય સમજતા ભોળા વેપારીઓ આ બંને યુવકની વાત માની ખરચા-પાણીના પૈસા આપી દેતા. એક પછી એક આ શખ્સો 36 લોકો પાસેથી તોડ કરી લીધો. જો કે અંતે બંને શખ્સોનો અસલી પોલીસ સાથે મેળાપ થઇ ગયો અને પોલીસ બની નહીં પણ કેદી બનીને પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે.

વાત એવી છે કે વડોદરા શહેર ડોક્યુમેન્ટ ચોરીના હોવાનો આરોપ લગાવી અને પોતે પોલીસમાં હોવાનું કહી 22 વર્ષિય આફતાબ અહેમદ હુસેન શેખ અને શાહરૂખ અમાન ઉલ્લાખાન પઠાણે 7500નો તોડ કર્યો હતો. બાદમાં આ અંગે કોઇએ કારેલીબાગ પોલીસને જાણ કરી હતી, પોલીસે બંને શખ્સો પર વોચ ગોઠવી હતી. પોલીસને બાતમી મળી કે બંને આરોપીઓ ભૂતડીઝાપા બાળ-ગોકુલમ પાસે બાઇક પર બેઠા છે. આથી અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી પુછપરછ કરી હતી, જેમાં બંનેએ સ્વીકાર્યું કે તેઓએ નકલી પોલીસ બનીને 36 લોકો પાસેથી પૈસા ખંખેર્યા છે. બંને આરોપીઓ પાસેથી એક બાઇક, 3 મોબાઇલ અને 20,500 રૂપિયા રોકડા જપ્ત કર્યાં છે. બે પૈકી એક આરોપી આફતાબ મહેમદ હુસેન શેખ આ અહાઉ પણ કારેલીબાગ અને વાપી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાઇ ચૂક્યો છે.