કાલાવડના ચકચારી હત્યા કેસમાં બે આરોપીને આજીવન કેદની સજા..

જામનગર અદાલતે આપ્યો ચુકાદો

કાલાવડના ચકચારી હત્યા કેસમાં બે આરોપીને આજીવન કેદની સજા..

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના કાલાવડમાં 5 વર્ષ પહેલા વાહન ધોવા બાબતની બોલાચાલીનો ખાર રાખીને જાહેર રોડ ઉપર એક યુવાન પર છરી વડે હુમલો કરીને હત્યા નીપજાવવાના ચકચારી બનાવમાં અદાલતે ચુકાદો આપીને બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે,

આ કેસની વિગત એવી છે કે કાલાવડના શીતળા કોલોની ખાતે રહેતા અજય દેવુભાઈ ઘોડા અને તેના ભાઈ આલરવ ઘોડા ગત તા.૧૬/૦૬/૨૦૧૪ના રોજ કાલાવડના અવેળા પાસે વાહન ધોતા હતા ત્યારે ઇકબાલ ગફાર અને ધર્મેન્દ્ર ગઢવી સાથે બોલાચાલી થયેલ હતી,જેનો ખાર રાખીને અજયભાઈ ઉપર શીતળા કોલોની રોડ પાસે ઇકબાલ ગફાર અને ધર્મેન્દ્ર ગઢવીએ છરી વડે આડેધડ હુમલો કર્યો હતો,

ત્યારે અજયભાઈનો ભાઈ આલરવ દોડી આવી વચ્ચે પડી છોડાવા જતાં તેના પર પણ જીવલેણ હુમલો કરવામાં આવતા રાજકોટ હોસ્પીટલમાં અજયભાઈનું સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને આરોપી ઇકબાલ ગફાર તેમજ ધર્મેન્દ્ર ગઢવીની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અદાલતમા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

આ કેસ જામનગરની અદાલતમાં ચાલી જતા ઇજા પામનાર ફરિયાદી આલરવ દેવુભાઈ ઘોડા તથા અન્ય નજરે જોનાર સાહેદો તથા દાર્શનિક પુરાવાઑ ધ્યાને લઈ તેમજ સરકારી વકીલની રજૂઆતના અંતે આ હત્યા કેસના બંને આરોપીઓને તક્સીરવાન ઠેરવીને કલમ ૩૦૨ હેઠળ આજીવન કેદની સજા તથા કલમ ૩૦૭ મુજબ ૭ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.