ટ્રેનમાંથી 3.5 કરોડનું ડ્રગ્સ પકડાયું, ડિલિવરી કરે એ પહેલા બેની ધરપકડ

ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

ટ્રેનમાંથી 3.5 કરોડનું ડ્રગ્સ પકડાયું, ડિલિવરી કરે એ પહેલા બેની ધરપકડ
ફાઇલ તસવીર

Mysamachar.in-સુરતઃ

સુરતમાંથી દિવાળીના તહેવારે જ મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. સામાન્ય રીતે નશીલા પદાર્થ જેવા કે ગાંજો, ડ્રગ્સની તસ્કરી માટે દરિયાઇ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. બોર્ડર એરિયામાં મોટા પાયે ડ્રગ્સ ઘૂસાડવામાં આવતું હોય છે, પરંતુ હવે તસ્કરોએ નવી મોડસઓપરેન્ડી વાપરી છે. આ વખતે ટ્રેનમાં લઇ જવાતા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પોલીસે પકડી પાડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ડ્રગ્સની કિંમત અંદાજે 3.5 કરોડ રૂપિયા જેટલી થાય છે. પોલીસે આ ડ્રગ્સની સાથે બે શખ્સોની પણ ધરપકડ કરી છે, જેઓ આ ડ્રગ્સની ડિલિવરી મુંબઇ કરવા જતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

બાતમીના આધારે DRIની ટીમે સુરતમાં રાજધાની ટ્રેનમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સુરત સ્ટેશન પર ચેકિંગ દરમિયાન બે શખ્સો શંકાસ્પદ સ્થિતિમાં દેખાયા હતા, બાદમાં તેની તલાસી લેતા તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો 7.5 કિલો જથ્થો મળી આવ્યો હતો. બજારમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે 3.5 કરોડ રૂપિયા થતી હોવાનું પોલીસે જણાવ્યું હતું. બાદમાં બંને શખ્સોની પુછપરછ કરતાં બહાર આવ્યું કે બંને શખ્સો હરિયાણાના રહેવાસી છે અને તેઓ આ જથ્થો દિલ્હીથી મુંબઇ લઇ જતા હતા. જો કે ડિલિવરી થાય એ પહેલા જ પોલીસે બંને આરોપીને દબોચી લઇ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.