શું રાજ્યમાં ફરી શરૂ થશે હડતાલની સીઝન ?

આ બે ખાતા નારાજ

શું રાજ્યમાં ફરી શરૂ થશે હડતાલની સીઝન ?

Mysamachar.in-જામનગરઃ

એક તરફ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ હજુ તો આવ્યું નથી ત્યાં જ ફરી રાજ્યમાં બે સરકારી ખાતાઓમાં હડતાલનું બ્યૂંગલ ફુંકાયું છે, સૌપ્રથમ મહેસૂલ વિભાગમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે, જેઓએ હાજરી માટે ઓનલાઇન એપ્લિકેશન સિસ્ટમ ફરજિયાત કરવાનો વિરોધ કરી આગામી 2 ડિસેમ્બર સુધી મહેસૂલી કામગીરી ન કરવાની ચિમકી ઉચ્ચારી છે. તો અગાઉ હડતાલ બાદ રાજ્ય સરકારે જે માંગો સ્વીકારી હતી તેનું અમલીકરણ ન થતા ગુજરાત રાજ્યના પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓએ 28મી નવેમ્બરથી ફરી કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. 

સૌપ્રથમ વાત કરીએ મહેસૂલ વિભાગના કર્મચારીઓની તો તેઓનું કહેવું છે કે રાજ્યના પંચાયત વિભાગ દ્વારા તમામ પંચાયત તલાટી કમ મંત્રીઓને હવે ઇ-ટાસ મોબાઇલ એપ્લિકેશન તથા ઇ-ગ્રામ કમ્પ્યુટરમાં એપ્લિકેશન દાખલ કરીને ઓનલાઇન હાજરી પુરવાનું ફરજિયાત કરાયું છે તેમજ હાજરી નહીં પૂરનાર તલાટીઓ સામે સીએલ, કપાત પગાર તેમજ સજાના આદેશો કરવામાં આવી રહ્યા છે ત્યારે ઓનલાઇન હાજરીનો અમલ નહીં કરવા માટે જામનગર સહિત રાજ્યનું તલાટી મહામંડળ મક્કમ છે. મહામંડળે ઓનલાઇન હાજરીની સિસ્ટમ તાત્કાલિક રદ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર આપ્યું છે. સાથે જ સિસ્ટમ રદ નહીં થાય તો 2 ડિસેમ્બરથી મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરવાની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.

તો તાપી જિલ્લાના પદમડુંગરી ખાતે આરોગ્ય મહાસંઘની બેઠક મળી હતી, જેમાં ગુજરાત રાજ્યના પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે ગત ફેબ્રુઆરીમાં 13 દિવસની સફળ હડતાલ પછી નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમાધાન માટે મળેલી બેઠકમાં નાણંકીય અને વહીવટી પ્રશ્નોનું નિરાકરણ લાવી આપવા માટે સરકાર તરફથી લેખિત બાંયધરી આપવામાં આવી હતી, પરંતુ નાણાં વિભાગે હવે આરોગ્ય કર્મચારીઓની માગણીનો અસ્વીકાર કરતાં આરોગ્ય કર્મચારીઓમાં રોષ ભભૂક્યો છે, ત્યારે ફરી આરોગ્ય વિભાગે 28મી નવેમ્બરથી આંદોલન છેડી આરપારની લડાઇ શરૂ કરવાનું મન બનાવી લીધું છે.