સૌથી મોટો દંડ, અઢી કરોડની લક્ઝરી કારને ફટાકાર્યો 9.80 લાખનો દંડ

કાયદો બધા માટે સરખો

સૌથી મોટો દંડ, અઢી કરોડની લક્ઝરી કારને ફટાકાર્યો 9.80 લાખનો દંડ

Mysamachar.in-અમદાવાદઃ

મોંઘીદાટ લક્ઝરી કાર લઇને શહેરમાં રૌફ જમાવતા નબીરાઓ સામે ટ્રાફિક પોલીસે હવે કાયદાના પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. પૈસાનો દેખાડો કરી કાયદાની ઐસીતૈસી કરતાં લોકો સામે પણ હવે કડક હાથે કામ લેવામાં આવશે. જેના ભાગ રૂપે ફરી એકવાર અમદાવાદ ટ્રાફિક પોલીસે વધુ એક લક્ઝરી કારને ડિટેઇન કરી રૂપિયા 9.80 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અમદાવાદ પોલીસે 27 નવેમ્બરે ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી, જેમાં ટ્રાફિકનું ઉલ્લંઘન કરતાં લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ દરમિયાન હેલ્મેટ સર્કલ પાસે PSI એમ બી વિરજાએ 2.18 કરોડની 911 મોડેલની પોર્શે કારને અટકાવી તેના ચાલક પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ માગ્યા હતા, પરંતુ કારમાં આગળ-પાછળ નંબર પ્લેટ ન હતી, સાથે જ જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાથી કારને ડિટેઇન કરવામાં આવી હતી અને કાર ચાલકને અધધ રૂપિયા 9.80 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અમદાવાદ પોલીસે સમગ્ર કાર્યવાહી અંગે ટ્વીટર પર માહિતી જણાવી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસે છેલ્લા 3 મહિનામાં રૂપિયા 5.75 કરોડનો દંડ વસૂલ્યો છે. તો વિવિધ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન અનેક લક્ઝુરીયસ કાર જેવી કે મર્સિડીઝ, રેન્જ રોવર, ફોર્ચ્યૂનર સહિતની કાર ડિટેઇન કરી દંડ ફટકાર્યો છે. એક તરફ ટ્રાફિક પોલીસની કાર્યવાહીના લોકો વખાણ કરી રહ્યાં છે તો બીજી બાજુ કાયદાનું પાલન કરવા પ્રેરણા પણ મેળવી રહ્યાં છે.