Mysamachar.in-જામનગર:
જામનગરમાં ઉદ્યોગોને આધુનિકતા તરફ તેમજ નવી ટેકનોલોજીથી માહિતગાર કરવા GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોશિએશન(દરેડ) દ્વારા જામનગર ટેક ફેસ્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટેક ફેસ્ટ ૩ જાન્યુઆરી થી ૬ જાન્યુઆરી સુધી સવારે 9:30 થી 6:00 વાગ્યા સુધી રાજકોટ-ખંભાળિયા બાયપાસ રોડ, દરેડ GIDC ફેસ-2 અને 3ની વચ્ચે જામનગર ખાતે યોજાશે, જેમાં ૨૦૦ થી વધુ એક્ઝિબિટર્સ, 1 લાખથી વધુ મુલાકાતીઓ જોડાશે. 4.50 લાખ સ્ક્વેર ફીટ એરિયામાં યોજાનારા આ ટેક ફેસ્ટમાં B2B સેમિનાર યોજી ઉદ્યોગપતિઓને નવી ટેકનોલોજી વિશે માહિતીગાર કરવામાં આવશે. GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોશિએશન(દરેડ) દ્વારા આયોજીત આ ટેક ફેસ્ટનું ઉદઘાટન સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવશે. તો આ ટેક ફેસ્ટમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા GIDCના ચેરમેન ડૉ બલવંતસિંહ રાજપૂત સહિતના જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
જામનગર ટેક ફેસ્ટને સફળ બનાવવા માટે GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોશિએશન(દરેડ) તથા સપોર્ટેડ ઓર્ગેનાઇઝેશનમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી અને ગુજરાત ગેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લઘુ ઉદ્યોગ ભારતી તથા SUNI INFO દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. આ ટેક ફેસ્ટની માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં પ્રેસિડેન્ટ રાજુ ચાંગાણી, વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ ડાંગરિયા, સેક્રેટરી વિશાલ લાલકીયા, ઇવેન્ટ ચેરમેન અશોક દોમડીયા, જોઇન્ટ સેક્રેટરી વિપુલ હરિયા, ટ્રેઝરર દિનેશ નારીયા, જોઈન ઇવેન્ટ ચેરમેન પરેશ હરપાલ, ઇવેન્ટ કમિટી મેમ્બર રાજેશ ચોવટીયા હાજર રહ્યા હતા.