મૉર્નિંગ વૉક કરવા નીકળેલા ત્રણ વૃદ્ધને મળ્યું મોત

વહેલી સવારે બની ઘટના

મૉર્નિંગ વૉક કરવા નીકળેલા ત્રણ વૃદ્ધને મળ્યું મોત

Mysamachar.in-ગોધરાઃ

'ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થશે' આદીકાળથી પ્રચલિત આ કહેવત સાચી ઠરી છે. સ્વાસ્થ્ય સારુ રાખવા માટે વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા ત્રણ વૃદ્ધોને કાળ બનીને આવેલી કારે અડફેટે લીધા હતા. કારની ગતિ જ એટલી હતી કે અડફેટે આવેલા ત્રણેય વૃદ્ધોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અકસ્માત સર્જી કાર મૂકી ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કારના નંબર પરથી અકસ્માત સર્જનાર વ્યક્તિની ભાળ મેળવવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક વિગત પ્રમાણે પંચમહાલમાં આવેલા શહેરા તાલુકામાં મોરવા અને ગોકળપુરાની વચ્ચે કારે રાહદારીઓને અડફેટે લેતા ત્રણ વૃદ્ધોનાં મોત નીપજ્યાં છે. વહેલી સવારે બનેલી ઘટનામાં મૃતક ત્રણેય 62 વર્ષનાં ડૉ. સુરેશ એન. પટેલ, 60 વર્ષનાં પટેલ ગુણવંતભાઇ અને 60 વર્ષનાં વાળંદ રણછોડભાઇ મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. તમામ મોરવા રેણા ગામનાં રહેવાસી હતા. અકસ્માત સમયે કારની ગતિ જ એટલી હતી કે ઘટના બાદ કારનો આગળનો કાંચ તૂટી ગયો હતો, બોનેટ વળી ગયું હતું અને આગળની લાઇટ પણ તૂટી ગઇ છે. કાર ચાલક અકસ્માત કરીને ત્યાંથી ફરાર થઇ ગયો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ કાર ગોકળપુરા ગામની જ છે. તેનાં માલિકનું નામ રાજેશ પટેલ છે. જો કે, અકસ્માત સમયે આ કાર કોણ ચલાવી રહ્યું હતું તેની હાલ કોઇ માહિતી સામે આવી નથી.