વ્યાજના નાણા પાંચગણા વધુ ભરી દીધા છતાં પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

A ડીવીઝનમા 3 સામે નોંધાઈ ફરિયાદ

વ્યાજના નાણા પાંચગણા વધુ ભરી દીધા છતાં પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમા વ્યાજખોરોનો આતંક જાણે ઘટવાનું નામ ના લેતો હોય તેમ શેરીએ અને ગલીએ ફૂટી નીકળેલા વ્યાજે નાણા આપનાર શખ્સોએ રીતસરનો આતંક મચાવી દીધો છે, અને દર થોડા દિવસે એકાદ ફરિયાદ વ્યાજખોરો વિરુદ્ધ સામે આવતી રહે છે, કા તો કોઈ વ્યક્તિ વ્યાજખોર ના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યા હોવાના બનાવો પણ હમણાંના જ છે, ત્યાં જ વધુ એક ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસમથકમા ત્રણ શખ્સો વિરુદ્ધ નોંધાઈ છે,

નોંધાયેલી ફરિયાદ પર નજર કરવામાં આવે તો શહેરના અંધાશ્રમ આવાસ કોલોનીમા રહેતા દેવેનભાઈ ભીમજીભાઈ ખીરા નામના વ્યક્તિના પુત્ર કેતનભાઈએ જયુભા અને લાલુભા નામના વ્યક્તિઓ પાસેથી રૂપિયા ૫૫૦૦૦/- અલગ અલગ વ્યાજના દરેથી આજથી ચાર-પાંચ વર્ષ પહેલા લીધેલ તથા સુનીલભાઈ જેની પ્લોટ પોલીસચોકી પાસે ઓફીસ આવેલ છે તેની પાસેથી આ દેવેનભાઈએ રૂ.૨૦૦૦૦/- પાણીના ભાવે વ્યાજે લીધેલ હોય જે તમામ વ્યાજના પૈસા ફરિયાદી ભરતા હોય અને કુલ રકમ સાથે વ્યાજ સહિત પાંચ ગણા પૈસા ફરિયાદીએ ભરી દીધેલા હોવા છતાં આરોપીઓએ અવારનવાર ઉઘરાણી કરી ગાળો આપી તથા પૈસા નહી ભરે તો તેમના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો સીલસીલો યથાવત રાખતા દેવેનભાઈએ આ મામલે જયુભા અંધાશ્રમ ફાટક, લાલુભા પટેલ કોલોનીમાં ઓફીસવાળા અને સુનીલભાઈ પ્લોટ પોલીસચોકી પાસે ઓફીસવાળા સામે જાનથી મારી નાખવાની ધમકી અને નાણા ધીરધાર અંગેની કલમો હેઠળ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરાઈ છે.