જામનગર મનપાની આ કામગીરીનું થઇ ગયું સુરસુરિયું...

જો કાઈ થાય તો કોણ જવાબદાર..?

જામનગર મનપાની આ કામગીરીનું થઇ ગયું સુરસુરિયું...

Mysamachar.in-જામનગર:

થોડા દિવસો પૂર્વે સુરતના એક ટ્યુશન કલાસમાં લાગેલી આગે જામનગર સહીત રાજ્યના ફાયર સહિતના તંત્રને જગાડી દોડતા કર્યા હતા,તો જામનગરમાં પણ કેટલીય બિલ્ડીંગો અને ટ્યુશનકલાસીસ નો સર્વે થયા પણ જે લોકોને નોટીસો આપવામા આવી હતી,તેમાંથી માત્ર ગણ્યાગાંઠ્યા લોકોને જ ફાયરની NOC મળી છે,એ સિવાયના ટ્યુશન કલાસીસ સંચાલકો,હોટલો,અને રેસ્ટોરન્ટો જેમાં ફાયર સેફટીની જરૂરિયાત છે,તેવા નિયમો નેવે મુકીને યથાવત કામગીરી કરી રહ્યા છે,


સુરતના એ ટ્યુશન કલાસની ઘટના જેમાં ૨૦ માંસુમોનો ભોગ લેવાયો તેને કોઈ ભૂલી શકતું નથી,પણ સરકારે તેમાંથી શીખ મેળવી અને રાજ્યભરમાં ફાયર એનઓસી વિના ચાલતા ટ્યુશન કલાસીસ અને રેસ્ટોરન્ટ હોટેલો વગેરે બંધ કરવાના આદેશ આપી મનપાની જુદી-જુદી ટીમો દ્વારા મોટાઉપાડે વહેલી સવારમાં તપાસો તો હાથ ધરવામાં આવી હતી,પણ આ સર્વેનું સુરસુરિયું થઇ જવા પામ્યું છે,અને જાગૃત નાગરિકોને માટે આજે પણ NOC વિના પેહલાની જેમ જ બધું ધમધમી રહ્યું છે,

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમા કુલ ૯૦૫ મિલકતોનો સર્વે કરવામાં આવ્યો હતો,જેમાંથી ૩૦૬ ટ્યુશન ક્લાસ,૨૫૪ હોટેલો અને રેસ્ટોરન્ટ,૧૭૯ શૈક્ષણિક સંસ્થાઓ અને ૧૦૨ હોસ્પિટલોનો સમાવેશ થાય છે,આ ૯૦૫ માંથી મનપા પાસે NOC માટે માત્ર ૧૩૨ અરજીઓ જ આવી છે,અને તેમાંથી માત્ર ૩૬ ને મનપા દ્વારા NOC આપવામાં અઆવ્યું છે,ત્યારે બાકીના કઈ રીતે NOC વગર ચલાવી રહ્યા છે,છતાં મનપાનું તંત્ર અને ફાયર વિભાગ હાથ પર હાથ ધરીને બેઠું છે,


જામનગર મહાનગરપાલિકા માત્ર સર્વે કરીને સંતોષ માની રહે છે,તો (અમુક અપવાદ) સિવાયના ટ્યુશન કલાસીસના સંચાલકો,હોસ્પિટલો,શૈક્ષણિક સંસ્થાઓ,હોટેલો અને રેસ્ટોરન્ટના સંચાલકોને કોઈ કાયદો લાગુ પડતો ના હોય તેમ નીતિ નિયમો નેવે મુકીને મનપાની નોટીસની પણ અવગણના કરીને હાલ પણ ફાયર NOC વિના ધમધમી રહ્યાનો વિપક્ષ સભ્યનો પણ આક્ષેપ છે.


જો કે  અધિકારીઓ તો એવો પણ  દાવો કરે છે કે હજુ કાર્યવાહી ચાલી રહી છે,પણ ક્યાં સુધી ચાલશે તેનો જવાબ નથી આમ માત્ર દેખાડા પુરતી કામગીરી કરીને મનપાનું તંત્ર કાયદાનો દંડો ઉગામતા આવા આસામીઓ સામે શા માટે ડરી રહી છે,તે વાત ગળે ઉતરતી નથી,અને ફાયર NOC વિના કાઈ થશે તો જવાબદારી કોની તે પણ સવાલ સ્થાનીકોમાં ઉઠી રહ્યો છે.