નીલકંઠનગર આસપાસના વિસ્તારમાં આ સમસ્યાઓ પર તંત્ર ધ્યાન આપે તેવી લોકોની અપીલ

અવારનવાર રજૂઆત છતાં નથી થતો નિકાલ...

નીલકંઠનગર આસપાસના વિસ્તારમાં આ સમસ્યાઓ પર તંત્ર ધ્યાન આપે તેવી લોકોની અપીલ

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરના કેટલાય વિસ્તારોમાં સમસ્યાઓની હારમાળાઓ છે, અને તે બાબતે જ્યારે જાગૃત નાગરિકો ફરિયાદ કરે છે તો પણ યેનકેન પ્રકારે આવી ફરિયાદોનો છેદ ઉડાવી દેવાની તંત્રની નીતિ વધુ એક વખત ઉઘાડી પડી જવા પામી છે, ગત મોડી રાત્રે વોર્ડ નંબર 16 હર્ષદમીલની ચાલી, નીલકંઠ નગર, શેરી નંબર 5 વિસ્તારમાં આવેલ નિલકંઠ સ્કૂલ સામે સ્ટ્રીટલાઇટ ના થાંભલા માં વીજશોક ના કારણે એક ગાયનું મોત થયું હતું. અગાઉ પણ વીજ શોકના કારણે પાંચથી છ ગૌ વંશના અહી મોત થયા છે. જાહેરમાર્ગ પર ના વૃક્ષોમાંથી વીજ લાઇન પસાર થતી હોવાથી તેમજ જોખમી ડાળીઓ ક્યારેય કાપવામાં આવતી ન હોવાથી શાળાએ થી પસાર થતા બાળકો તથા રાહદારીઓને જીવનું જોખમ રહે છે. જે બાબતે આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા અવારનવાર મહાનગરપાલિકા તંત્રને લેખિત-મૌખિક ફરિયાદ કરેલ છે. ઉપરાંત આ વિસ્તારમાં સફાઈમાં પણ ઉદાસીનતા જોવા મળે છે. નિયમિત સફાઈના અભાવે રોગચાળો અને ઢોરના ત્રાસ પણ વધારે છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં જોખમી થાંભલા પાસે જ શાળા આવેલ છે જ્યાંથી દરરોજ નાના બાળકો અને લોકોની અવરજવર પણ વધારે હોય છે, પરંતુ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી  કરવામાં આવતી ન હોવાથી નિયમિત તોતિંગ કરવેરા ભરતા લોકોમાં રોષ ની લાગણી ફેલાઈ છે.