Mysamachar.in-જામનગર
જામનગર GIDC ની મુરાદમા મેલ એ છે કે જાતે કામ કરાવી ગેરરીતિઓ આચરવી છે માટે ઉદ્યોગકારોને કનડગત કરે છે તેવા આક્ષેપ થાય છે, બીજી તરફ આ કચેરીએ બનાવેલા રોડ ગટર પણ સ્પેશીફીકેશન મુજબ થયા નથી તેવી જાણકારોમાંથી ફરિયાદ ઉઠી છે, ત્યારે એવું પણ ચર્ચવામાં આવે છે કે જો GIDC દ્વારા કરવામાં આવેલ કામોની વિજીલન્સ તપાસ થાય તો જોવા જેવી થાય તેમ છે. દરેડ અને શંકરટેકરી જી.આઇ.ડી.સી.ના કારખાનેદારો વર્ષોથી અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે, ત્યારે ઉદ્યોગકારોની સમસ્યા ઉકેલવામાં જી.આઇ.ડી.સી.ની આડોડાઇ થી કંટાળી ગયેલા ઉદ્યોગકારોએ જી.આઇડી.સી. કચેરીમાં અધિકારીઓને ઘેર્યા હતા અને પોતાના પ્રશ્ર્નો અંગે રજૂઆતો કરી હતી, શંકર ટેકરી સ્થિત જીઆઇડીસીની સરકારી કચેરીમાં દરેડ જીઆઇડીસી ફેઝ-2 અને 3ના ઉદ્યોગકારો અને આગેવાનો તેમજ અન્ય 100 થી વધુ કારખાનેદારોએ હલ્લાબોલ કરીને ઉપસ્થિત કાર્યપાલક ઇજનેર પરીમલ પટેલ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી.
ઉદ્યોગકારોની માંગણી હતી કે, છેલ્લા આઠ માસમાં પાણીની પાઇપલાઇનનું રૂા.20 લાખનું કામ ઉદ્યોગકારોના એસોશિએશન દ્વારા જાત દેખરેખ રાખીને માત્ર રૂા.9.5 લાખના ખર્ચે કરવવામાં આવ્યું હતું. જેનું બીલ હજુ પાસ કરવામાં આવ્યું નથી. તંત્રની બેધારી નીતિ જણાય છે. તેથી જ અમે આગોતરી મંજૂરી માંગી રહ્યા છીએ. છેલ્લા 9 માસથી સફાઇના ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી નથી.
જે બાદ કારખાનાઓમાંથી નીકળતા વેસ્ટ પાણીને પાઇપલાઇનનું ભુગર્ભ ગટરમાં જોડાણ આપવા ઉદ્યોગકારોના એસો.દ્વારા પોતાના 50 લાખના ખર્ચે ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવ્યા બાદ હવે આ પાઇપલાઇનની મંજૂરી આપવામાં જીઆઇડીસીની કચેરીના અધિકારીઓ દ્વારા અખાડા કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ થાય છે, ખરેખર તો આ દરેક કામ GIDC એ જાતે કરવાની મુરાદ છે તો જ મલાઇ તારવવા મળે અને અત્યાર સુધી આ કચેરીએ કરેલા રોડ ગટર વગેરે કામો પણ સ્પેશીફીકેશન મુજબ ન થયાના આક્ષેપ વચ્ચે આ કચેરીના ખાસ કરી સીવિલ વિભાગના અત્યાર સુધીના કામોની તપાસ કરવાની પણ જાણકારોની માંગ છે તેમાંથી ઘણુ બહાર આવવાની શક્યતા છે.