ગયા વર્ષે મંજૂર થયેલા કામો હજુ  નથી થયા, ત્યાં વધુ કામોને મંજુરી

રાબેતા મુજબની હાલાકી રહેશે

ગયા વર્ષે મંજૂર થયેલા કામો હજુ  નથી થયા, ત્યાં વધુ કામોને મંજુરી

Mysamachar.in-જામનગર

રાજય સરકાર દ્વારા ગુજરાતમાં વિકાસના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ જામનગર જિલ્લામાં વરવું ચિત્ર જોવા મળી રહ્યું છે. કારણ કે જામનગર જિલ્લામાં ગત વર્ષે મંજૂર 35 માર્ગોના કામ શરૂ થયા નથી ત્યાં 67 નવા કામ મંજૂર કરવામાં આવતા આને કહેવાય વિકાસ તેવો પ્રશ્ન ગ્રામજનોમાં ઉઠયો છે. જામનગર જિલ્લા પંચાયત હેઠળના આવાગમન માટે મહત્વના 78.20 કીલોમીટરના રસ્તાના કામ ન થતાં પારાવાર મુશ્કેલીથી હજારો ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયા છે છતાં તંત્ર કુંભ કર્ણની નિંદ્રામાં રાચી રહ્યું છે,

જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે પણ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયેલા રસ્તાના કામ શરૂ ન થતાં અનેક સવાલ ઉઠયા છે, જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના પેકેજમાં વર્ષ 2018-19 માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જિલ્લામાં કુલ 34 માર્ગોના કામ મંજૂર કરવામાં આવ્યા હતાં. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, આ કામ પૈકી એક પણ કામ પૂર્ણ થયું નથી, 4 માર્ગના 13.50 કીમીના કામ પ્રગતિ હેઠળ છે તો 30 રોડના કામ શરૂ થયા નથી. જયારે આ યોજના હેઠળ માર્ગોની ખાસ મરામતના 5 માંથી 4 કામ પૂર્ણ થયા છે, એક હજુ શરૂ થયું નથી. અન્ય ખાસ મરામતના 4 માંથી એક પણ માર્ગનું કામ પૂર્ણ થયું નથી,

આ જ રીતે બજેટ ઉચ્ચક જોગવાઇ હેઠળ મંજૂર થયેલા માર્ગના 8 માંથી 4 કામ પૂર્ણ થયા છે, જયારે 3 પ્રગતિ હેઠળ છે તો 1 કામ શરૂ થયું નથી. આમ છતાં વર્ષ 2019-20 માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 48, ખાસ અંગભૂત ગ્રામ્ય માર્ગોની સુધારણાના 6, ખાસ મરામતના 6 અને સુવિધાપથના 7 કામ મંજૂર કરવામાં આવતા આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. તો જામનગર જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગમાં 17 ની સામે ફકત 5 એન્જીનીયર છે. જેમાંથી તાજેતરમાં 2 ની બદલી થઇ છે જેની સામે 3 નવા એન્જીનીયર આવ્યા છે. પરંતુ તેઓ પાસે કામનો કોઇ અનુભવ નથી, બીજી બાજુ ઉચ્ચ અધિકારી નીચેના કર્મચારીઓ પાસેથી યોગ્ય રીતે કામ લઇ ન શકતા હોવાથી મંજૂર થયેલા કામમાં ભારે વિલંબ થઇ રહ્યો હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.