સૌની યોજનાની કામગીરી દરમિયાન અહી ઉભું થયું છે વિરોધનું વાતાવરણ...

પણ જાડી ચામડી નું તંત્ર કોન્ટ્રાક્ટર સામે પગલા  ભરતા લાજ કાઢી રહ્યું છે..

mysamachar.in-જામનગર:

સૌની યોજના...આ યોજના થકી નર્મદા નું વધારાનું વહી જતું એક મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્ર વિસ્તારને પાઈપલાઈન  થકી મળે તેવી યોજના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ના સમયે  ઘડી કાઢવામાં આવી હતી...સૌરાષ્ટ્ર દાયકાઓથી ઓછા વરસાદ ને કારણ અછતગ્રસ્ત જેવો બની જાય છે.અને દર ત્રણ થી ચાર વર્ષે એક વર્ષ એવું આવે છે કે સૌરાષ્ટ્ર ના મોટાભાગ ના જીલ્લા ના લોકોને દુષ્કાળનો સામનો કરવો પડે છે....તે ના કરવો પડે તે માટે આ યોજનાના અમલીકરણની કામગીરી લાંબા સમય થી ચાલી રહી છે..જામનગરમાં પણ આ યોજના હેઠળ લાલપુર તાલુકાના પીપરટોડા ગામ થી સાની ડેમ ને જોડતી કામગીરીપણ હાલમાં શરૂ થઇ છે...

સ્વાભાવિક ખેડૂતો અને લોકોને ફાયદો થાય તેવી આ યોજના થી કોઈ સંદેહ ના હોય શકે પણ શરૂ થયેલ કામગીરીને સ્થાનિકો અને ખેડૂતો ને પરેશાની નો પાર જ ના હોય તો....વાત છે જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામની જ્યાં  સ્થાનિકો અને ખેડૂતોમાં આ યોજનાની કામગીરી માં કોન્ટ્રાક્ટરની નીતિરીતિ ને લઈને ઉઠ્યો છે વિરોધનો સુર..સૌની યોજના માટે આ વિસ્તારમાં ખાનગી કોન્ટ્રાક્ટ મેઘા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે..પણ સૂત્રોમાંથી જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે ચાલી રહેલ કામોમાં કેટલાક સ્થાનિક નેતાઓ પણ મુખ્ય કોન્ટ્રાક્ટર સાથે હોવાનું જાણવા મળી રહ્યું છે..અને તે સ્થાનિક લોકો પર ભારે દબાણો કરી રહ્યાના પણ આક્ષેપ થઇ રહ્યા છે..

ગામના પૂર્વ સરપંચ સહીત,ખેડૂતો,ગ્રામજનો અને કોંગ્રેસ અગ્રણી નો આક્ષેપ છે કે પીપરટોડા ગામમાં થી જે પાઈપલાઈન પસાર થવાની છે..તે સૌની યોજનાની મસમોટી પાઈપલાઈન નાખવા માટે સ્થાનિક ખેડૂતોની કોઈ જ પ્રકારની પૂર્વમંજૂરી વિના જ  કામગીરી શરૂ કરી દેવામાં આવી છે..અને કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર બ્લાસ્ટીંગ કરી અને આસપાસના ખેતરોને મોટું નુકશાન પહોચાડવામાં આવી રહ્યું છે...સાથે જ પાઈપલાઈન બાદ જરૂરી સમ્પની કામગીરી માટે પણ પીપરટોડા ગામ નજીક ગ્રામપંચાયત ના ઠરાવ વિના જ ગેરકાયદેસર રીતે ગૌચરની જમીન પર  સમ્પ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે..

કેટલાક ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે આ રીતે પાઈપલાઈન તેના ખેતરોમાં થી પસાર થવાને કારણે તેની જમીન વર્ષો સુધી બિનઉપયોગી બની જાય તેવી સંભાવનાઓ રહેલી છે...ત્યારે ના કોઈ નોટીસ કે વળતર ની સહમતી વિના કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ કામગીરી શરૂ કરી દેવાતા અહી ના સ્થાનિક ખેડૂતો દ્વારા અવારનવાર લગત સિંચાઇ વિભાગના અધિકારીઓને લેખિત અને મૌખિક રજુઆતો કરવામાં આવી છે..

પણ જાડી ચામડી નું તંત્ર કોન્ટ્રાક્ટર સામે પગલા  ભરતા લાજ કાઢી રહ્યું છે..તેથી અમુક ખેડૂતો દ્વારા કોર્ટનો સહારો પણ લેવામાં આવ્યો છે...ત્યારે આ મામલે સિંચાઇ વિભાગના ઈજનેર કમલેશ મહેતા નો mysamachar.in દ્વારા ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો ત્યારે  તેવો પોતે વિભાગમાં નવા નિમણુંક પામ્યા હોય આ અંગે અજાણ હોવાનો રાગલાપ આપી અને તપાસ કરવાનો ખો આપ્યો હતો..તો સાથે જ જે કોઈપણ કાર્યવાહી આ અંગે કરવાની થતી હશે તે કરવાની વાત પણ તેમને કરી...કાર્યવાહી જયારે થવાની હશે ત્યારે થશે પણ ત્યાં સુધી આ વિસ્તારના સ્થાનિકો અને ખેડૂતો ને પડી રહેલ હાલાકી નું શું તે સૌથી મોટો સવાલ છે..