ટાટા કંપની નજીક મુકાયેલ પ્રદુષણ માપવાનુ મશીન ખસેડી લેવાયુ..!

સ્થાનિક કચેરીના થાબણભાણા...

ટાટા કંપની નજીક મુકાયેલ પ્રદુષણ માપવાનુ મશીન ખસેડી લેવાયુ..!
File Image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
મીઠાપુરમા આવેલી દાયકાઓ જુની ટાટા કંપની નજીક પ્રદુષણ માપવાનુ મશીન પ્રદુષણબોર્ડ દ્વારા થોડા દિવસો પૂર્વે મુકવામાં આવ્યા બાદ હટાવી લેવાયુ હોવાનુ જાણવા મળ્યુ છે, જામનગર પ્રદુષણ બોર્ડના રીજીયોનલ અધિકારી સુત્રેજા સહિતની ટીમ કંપની નજીક આવેલ દેવપરા ગામ ખાતે પહોચી હતી,દેવપરા ગામના એક સ્થાનિક દ્વારા પ્રદુષણ બોર્ડને મીઠાપુર સ્થિત ટાટા કંપની હવા અને પાણીનું પ્રદુષણ ફેલાવી રહી હોવાની ફરિયાદ કર્યા બાદ અધિકારીઓ ફરિયાદ ને આધારે હવા અને પાણીના સેમ્પલો લીધા હતા અને સતત મોનીટરીંગ થાય તે માટે ખાસ મશીન પણ મુકવામા આવ્યુ હતુ પરંતુ થોડા દિવસમા જ તે મશીન હટાવી લેવાતા લોકોમા આશ્ર્ચર્ય સાથે શંકા ફેલાઇ છે

-પ્લાન્ટ બંધ હતો ત્યારે મશીન મુકાયુ..

ટાટા કંપનીનો સીમેન્ટ પ્લાન્ટ બંધ હતો તે દરમ્યાન આ મશીન મુકાયુ હતુ બાદમા પ્લાન્ટ શરૂ થયો અને મશીન હટાવી લેવાયુ તંત્ર દ્વારા જણાવાયુ હતુ કે કાયમી આ મશીન મુકવાનુ ન હતુ માત્ર થોડા દિવસ એર પોલ્યુશન મોનીટરીંગ માટે મુકાયુ હતુ અને માટે જ હવે હટાવી લીધુ છે પરંતુ બીજી તરફ લોકોને શંકા છે કે આવી રમત કરતા તંત્રએ ફરિયાદ કરનારા લોકોને સંતોષ ન આપ્યો પરંતુ કંપનીને ચોક્કસ સંતોષ આપ્યો ઉપરાંત જે નમુના લેવાયા હતા તેના રિપોર્ટ હજુ જાહેર થયા નથી.

-સ્થાનીક કચેરીના થાબણભાણા પરંતુ હેડ ઓફીસ આકરા પાણીએ

જોકે બોર્ડના આંતરીક સુત્રોના જણાવ્યા મુજબ એકંદર સબ સલામત નો રિપોર્ટ અપાયો છે જ્યારે હેડ ઓફીસ થી જાણવા મુજબ બે ત્રણ બાબતો એ તકેદારી રાખવા ટાટા ના આ મીઠાપુરના યુનીટોને નોટીસ અપાઇ છે આમ સ્થાનીક કચેરી અને વડી કચેરી ની માહીતીઓ વચ્ચે વિરોધાભાસ જોવા મળે છે

-સેમ્પલો લેવાય છે,પણ પછી શું તે પણ જાહેર થવું જોઈએ...

ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા ફરિયાદો પરથી વિવિધ કંપનીઓ અને તેની આસપાસથી હવા,પાણી વગેરેના સેમ્પલો તો લેવામાં આવે છે,સેમ્પલો લીધા બાદ કા તો રીપોર્ટ આવતા બહુ લાંબો સમય નીકળી જાય છે,કા તો રીપોર્ટ દબાઈ જાય અથવા ફરિયાદીની ફરિયાદો મુજબનું કાઈ જ ના હોય..પણ જે કાઈ પણ હોય આવા રીપોર્ટ સત્યતા ને ઉજાગર કરવા પ્રદુષણ બોર્ડ જાહેર કરે તો તેમાં શું વાંધો હોય શકે,તો ખ્યાલ પણ આવે કે હાલારની કઈ રીફાઈનરી કેટલું પ્રદુષણ ઓકે છે.