mysamachar.in-જામનગર
શહેરજનોની તંદુરસ્તી માટેનું મહત્વનું સેન્ટર સ્પોર્ટસ સંકુલ ફરીથી ‘ખેલાડી’ હસ્તક સોંપાયુ છે,એટલે કોર્પોરેશનમાં ચર્ચા છે કે સ્પોર્ટસ સંકુલનો ફરી કબજો સંભાળવામાં ‘ખેલાડી’ સફળ થયા છે,નહી તો જંગી ખરીદીઓ (ટેન્ડર અંગેની ડયુ પ્રોસેસ વગર) પોતાની અને લાગતા વળગતાની દુકાનેથી જ કરાવી હોવાના થોકબંધ આક્ષેપો થયેલા માટે હટાવાયેલા પરંતુ ‘શુઘ્ધ’ થઇને નવી ‘ઇનીંગ્સ’ રમવા ભાઇ ફરીથી સારી પેઠે ગોઠવાઇ ગયા છે.
જામનગર મહાનગરપાલિકાના અમુક અધિકારીઓ-કર્મચારીઓ પ્રજા પ્રતિનિધિઓ-આગેવાનોએ ભેગા મળીને કરેલા લાખોના ધુમાડા અંગેની જે બાબતો બહાર આવેલી તેના લાખો રૂપિયાના ખર્ચ કપડા-બુટ-ક્રિકેટના સાધનો-બેડમીન્ટન સાધનો-સ્યુટ-સ્પોર્ટસ કીટ વગેરેનો ગણ્યો હતો,અને એક-એક આઇટમમાં રૂપિયા બબ્બે હજારનો બજાર ભાવ કરતા વધારો ચુકવાયો હતો,આ સમગ્ર બાબતો ઘણા મહીનાઓ સુધી અવિરત ચાલતી રહી ત્યાર બાદ કોઇના ઘ્યાનમાં આવતા સમગ્ર પ્રકરણો ઉજાગર થયા હતા,અને આ તમામ બાબતે જે-તે સમયે મુખ્ય ‘ખેલાડી’ પાસેથી સ્પોર્ટસ સંકુલનો ચાર્જ ઝુટવાયો હતો.,
કેમ કે મોટાભાગની ખરીદીનો ભાવ મંગાવ્યા વગર, ટેન્ડર બહાર પાડયા વગર, ત્રણ કવોટેશન વગર ‘ખેલાડી’એ એક ચોક્કસ દુકાનેથી જ ખરીદી કરી હતી,જેના કારણે જાણકારોએ ટ્રેક શુટ, બુટ, બોલ, બેટ, કીટ વગેરે લઇ જઇ બીજી દુકાનોમાં ભાવ પુછતા અનેક ગણા વધુ નાણા ચુકવાયાનું સામે આવ્યુ હતું.આવુ જંગી કારસ્તાન રચાયુ હોવા છતાં ફરીથી આ ‘ખેલાડી’ને સમગ્ર સ્પોર્ટસ સંકુલનો ચાર્જ આપી દેવાયો છે.
મામકા-પાંડવાની નિતીથી અનેક લાભાર્થી દુખી…
કમિશ્નરે સ્પોર્ટસ સંકુલની દરેક એકટીવીટી ઉપર ઘ્યાન આપવુ જરૂરી છે,જુદી જુદી ગેઇમના ઝોન અને ખાસ કરીને સ્વીમીગ પુલની બાબતે મામકા-પાંડવાની નીતિ છે એક તો અનેક લોકો ફ્રીમાં લાભ લે છે (જેને ફી માંથી મુકિત છે તે સિવાયના) બીજુ તમામને યોગ્ય રીતે શીખવાડાતુ નથી, ત્રીજુ દરેક લાભાર્થી સાથે સારો વ્યવહાર દરેક સ્ટાફ કરતા નથી અને ખાસ કરીને બહેનોના તો અપમાન વધુ થાય છે જે કયાં ફરિયાદ કરવી તે પણ જાણતી નથી બીજા પણ દુષણોની જોર શોરથી ચર્ચા છે.
–‘મીલન’ સ્થળ બની ગયાની રાહદારીઓમાં ચર્ચા
સ્પોર્ટસ સંકુલમા ખેલદીલી ખીલે, રમત-ગમતમાં લોકોની રૂચી વધે, લોકોની તંદુરસ્તી જળવાય એકંદર સ્વસ્થતા પુરી પાડવા માટે છે પરંતુ અહી અમુક માટે ‘મીલન’ સ્થળ બની ગયાની ત્યાંથી પસાર થતાં હજારો રાહદારીઓ ચર્ચા કરે છે તેમજ જુદી જુદી ગેમ ઝોનમાં સમયના સેટીંગ પણ આગળ પાછળ કરી આપવાની, સંકુલમાં અમુક મોકળાશ આપવાની જોગવાઇની ચર્ચા છે. સાચુ તો તપાસ થાય તો બહાર આવે.