Mysamachar.in-જામનગર:
દરેડ તરફના મોટી સંખ્યાના કારખાનેદારોની જંગી વેરા વસુલાતને મામલે કોર્પોરેશનને હાઇકોર્ટમાંથી પછડાટ મળી તો પણ સુપ્રિમના દ્વાર ખખડાવ્યા છે, આમેય કોર્પોરેશનને સુવિધા આપ્યા વગર કર ઉઘરાણી કરવી છે, બીજી તરફ કોર્પોરેશનની તરફેણમા ચુકાદા પણ ઓછા આવતા હોવા છતા લીવ પીટીશન કરી છે, જામનગર મહાનગર પાલિકાની હદ વધ્યા બાદ તેમાં સમાવિષ્ટ થતાં વિસ્તારોમાં વર્ષ 2013થી બાકી વેરા ઉઘરાવવા મહાનગરપાલિકા દ્વારા શહેરની ભાગોળે આવેલા 3 હજારથી વધુ કારખાના ધરાવતા જીઆઇડીસી-ફેઝ ટુ અને થ્રીના કારખાનેદારોને બાકી વેરા વસુલવા આપવામાં આવેલી નોટીસોને મામલે હાઇકોર્ટ દ્વારા મ્યુ. કોર્પો.ની વિરૂધ્ધમાં હુકમ કરવામાં આવ્યા બાદ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રિમ કોર્ટ દ્વારા આગામી દિવસોમાં આ મામલે મ્યુ. કોર્પો. દ્વારા કરવામાં આવેલી રીવીઝન પર સુનાવણી રાખવામાં આવી છે.
છ-છ વર્ષથી ટલ્લે ચઢેલા આ મામલાવાળા કેસની વિગતો મુજબ મ્યુ. કોર્પો.ના વિસ્તારમાં વર્ષ 2013થી ભળેલા નગર સીમ વિસ્તારોની માફક જી.આઇ.ડી.સી. ફેઝ 2, 3ના 3 હજારથી વધુ કારખાનેદારો સહિત કુલ 74 હજારથી વધુ આસામીઓને મ્યુ.કોર્પો. દ્વારા વર્ષ 2013થી બાકી મિલ્કતવેરા અને પાણી, સફાઇ સહિતના ચાર્જીસ ભરી જવા નોટીસ આપવામાં આવતા ઉદ્યોગકારોની સંસ્થા દ્વારા આ મામલે મ્યુ. કોર્પો.ને રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ નિરાકરણ નહીં આવતા ઉદ્યોગકારોની સંસ્થા જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. ફેઝ-2,3 દ્વારા હાઇકોર્ટમાં રીટ કરીને દાદ માંગવામાં આવતા હાઇકોર્ટ દ્વારા ઉદ્યોગકારોની તરફેણમાં મ્યુ. કોર્પો.ની નોટીસ બજવણીની કામગીરી અંગે આદેશ આપવામાં આવ્યા બાદ મ્યુ. કોર્પો. દ્વારા આ મામલે સ્પેશીયલ લીવી પીટીશન દાખલ કરવામાં આવી હતી. જે ગ્રાહ્ય ગણીને સુપ્રિમકોર્ટ દ્વારા હવે બંને પક્ષકારોને હાજર રહેવા નોટીસ આપવામાં આવતા હવે ઉદ્યોગકારો અને મ્યુ.કોર્પો. વચ્ચેનો આ મામલો સુપ્રિમમાં ચાલ્યા બાદ નિર્ણિત થશે.