સાંસદ પુનમબેન માડમની ભલામણથી રૂપામોરા વાડીવિસ્તારને મળી એસટી ની સુવિધા...

વાડી વિસ્તારમાં વસવાટ કરતાં લોકોને મળશે લાભ

સાંસદ પુનમબેન માડમની ભલામણથી રૂપામોરા વાડીવિસ્તારને મળી એસટી ની સુવિધા...

mysamachar.in-દેવભૂમિદ્વારકા

જીલ્લાના ભાણવડ તાલુકાના અને જામજોધપુર ડેપો હેઠળ આવતા રૂપામોરા ગામથી આગળ શ્રીબાલાહનુમાન મંદિર પાસે સો જેટલા ખેડૂત પરિવારો વાડી વિસ્તારમાં રહે છે તેમજ વાડીવિસ્તારમાં રહેતા આ પરિવારના બાળકો જુદી જુદી શાળાઓમાં અભ્યાસ કરવા માટે આજુબાજુના ગામોમાં જાય છે,ત્યારે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ માટે એસ.ટી.બસની સુવિધાની લાંબા સમયથી તાતી જરૂરિયાત હતી જે અંગે ગામના સરપંચ માલદેભાઈ પીપરોતર દ્વારા સાંસદ પુનમબેન માડમ ને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી,

સરપંચની રજૂઆત ને તુરંત જ ગંભીરતાથી ધ્યાને લઈને પુનમબેન એ છેવાડાના માનવી સુધી જરૂરી સેવા પહોચાડવાના સરકારના ધ્યેય ને સાર્થક કરવા ના હેતુથી એસ.ટીના વિભાગીય નિયામક ને ભલામણ કરી અને વાડી વિસ્તારના ગ્રામજનોને એસટી ની સુવિધા આપવા જણાવ્યું હતું, જે અંગે વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી રૂપામોરા ગામે ગ્રામજનોની માંગણી મુજબ એસ.ટી બસનું સ્ટોપ મંજુર કરતાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓને આવવા જવાની સુગમતા પ્રાપ્ત થઇ છે,

આ સુવિધા ગામને રજૂઆત કરવાના ટૂંકસમયમાં જ પ્રાપ્ત થતા સરપંચ માલદેભાઈની આગેવાનીમાં સમગ્ર ગ્રામપંચાયત અને ગ્રામજનોએ સાંસદ પુનમબેન માડમનો આભાર વ્યક્ત કર્યો હતો.