નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો જ પગાર ભથ્થા માટે લાચાર..!

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સરકારને રજુઆત

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો જ પગાર ભથ્થા માટે લાચાર..!

mysamachar.in-જામનગર 

જામનગર મહાનગરપાલિકાની તિજોરીની કફોડી સ્થિતિ હોય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ આવતી પ્રાથમિક શાળાના શિક્ષકોના પગાર ભથ્થા નિયમિત મળતા ન હોવાથી મુશ્કેલી પડી રહી છે આથી રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ % ગ્રાન્ટ મંજુર  કરે તો જ આ સમસ્યાનો નિકાલ થાય તેમ હોય  આ અંગે મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સરકારને રજુઆત કરાઈ છે,

રાજ્યમાં આવેલી મહાનગરપાલિકા અને નગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓના પગાર અને ભથ્થા માટે રાજ્ય સરકાર દ્વારા ૮૦% લેખે અને મહાનગરપાલિકા દ્વારા ૨૦ % લેખે એમ મળીને કુલ ૧૦૦ % પગાર અને ભથ્થાઓની ચુકવણી કરવામાં આવે છે પરંતુ ઓકટ્રોય નાબૂદ થતા રાજ્યની મહાનગરપાલિકાનીઓની આવકમાં ધટાડો થયો છે, જેમા ખાસ કરીને જામનગર મહાનગરપાલિકાની સ્વભંડોળની ગ્રાન્ટની આર્થિક પરિસ્થિતિ જોતા  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને દર મહિને અંદાજે એક કરોડની ગ્રાન્ટ ફાળવવાની થાય છે, જે છેલ્લા ઘણા સમયથી સમયસર મળતી નથી આથી  જામનગરના ૪૫૨ જેટલા શિક્ષકો, ૩૦જેટલા મુખ્ય શિક્ષકો અને ૭૦ જેટલો અન્ય સ્ટાફ હાલ ફરજ બજાવી રહ્યો છે જે  લાચારી ભોગવી રહ્યા છે,

રાજ્ય સરકાર દ્વારા  છેલ્લા વર્ષોમાં ગ્રાન્ટેડ પ્રાથિમક શાળાઓને  પણ ૧૦૦ % ગ્રાન્ટ આપવાનો ઠરાવ કરેલ  છે,ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમીતીની હાલની જોગવાઇમાં સુધારો કરીને  જામનગરના શિક્ષકોને પગાર ભથ્થા માટે ૧૦૦ % ગ્રાન્ટ મંજુર કરવા  મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી વગેરેને પત્ર લખીને  જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયા અને મંત્રી જેરામભાઈ સુવારીયાએ  માંગણી કરી છે.