શિક્ષક અને તેનો પુત્ર રંગેહાથ ઝડપાયા, આ માટે માગી હતી લાંચ

બદલી કરાવવા માગી હતી લાંચ

શિક્ષક અને તેનો પુત્ર રંગેહાથ ઝડપાયા, આ માટે માગી હતી લાંચ

Mysamachar.in-રાજકોટઃ

દ્વારકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ખંભાળિયા ખાતેની કચેરીમાં ફરજ બજાવતા શિક્ષક અને તેનો પુત્ર રૂપિયા 55 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. એસીબીએ ગોઠવેલા છટકામાં શિક્ષકનો પુત્ર રાજકોટમાં ક્રિસ્ટલ મોલની પાછળ લાંચ લેતા પકડાયો, ત્યારબાદ તેના પિતાની ખંભાળીયાથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી શિક્ષકે અન્ય એક શિક્ષકની જામનગર જિલ્લામાં બદલી કરવા માટે લાંચ માગી હતી. જો કે બંને રાજકોટ ACBની ટીમના છટકામાં આવી ગયા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે ફરિયાદીના બહેન ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, તેમની બદલી જામનગર જિલ્લા થઇ હોવા છતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં બદલીના હુકમનો અમલ થતો ન હતો. આ દરમિયાન તેમની મુલાકાત ખંભાળિયા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં કર્મચારીની ઘટ હોવાથી ફરજ બજાવતા રોશન પટેલ સાથે થઇ, રોશન પટેલે બદલીના ઓર્ડરનો અમલ કરાવી આપવાનું કહી પહેલા 70,000 રૂપિયાની માગણી કરી હતી, પરંતુ રકઝકના અંતે રૂપિયા 55,000 આપવાનું નક્કી થયું હતું. બાદમાં ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક સાધતા એસીબીની રાજકોટ શહેર તથા ગ્રામ્યની ટીમે શિક્ષક અને તેના પુત્ર પર વોચ ગોઠવી છટકું ગોઠવ્યું હતું. એસીબી ટીમને જાણવા મળ્યું કે આરોપી શિક્ષક વતી તેનો પુત્ર જિનલ પટેલ, રાજકોટમાં લાંચની રકમ સ્વીકારવાનો છે, આથી એસીબીએ જેવો જિનલ લાંચની રકમ સ્વીકારે તુરંત રંગેહાથ ઝડપી લીધો હતો. પુત્રની ધરપકડ બાદ ખંભાળિયામાં રહેતા આરોપી શિક્ષકની પણ ધરપકડ કરવામાં આવી હતી.