એક સમયના ક્લાસ વન ઓફિસર કેમ રેસ્ટોરન્ટમાં કામ કરવા મજબૂર થયા ?

સરકારી ખાતાનો થયો કડવો અનુભવ

એક સમયના ક્લાસ વન ઓફિસર કેમ રેસ્ટોરન્ટમાં કામ કરવા મજબૂર થયા ?

Mysamachar.in-જૂનાગઢઃ

સરકારી કચેરીઓમાં થતી કામગીરીથી આપ સૌ પરિચિત જ હશો. એવી માન્યતા છે કે અહીં બે ધક્કા ખાધા વગર એક પણ કામ થતું નથી. અત્યારસુધી તો સામાન્ય જનતા જ ફરિયાદ કરતી હતી, પરંતુ એક સમયે ક્લાસ વન ઓફિસર રહી ચૂકેલા એક વ્યક્તિએ સરકારી કચેરીમાં કેવી લોલમલોલ ચાલી રહી છે તેની વિગતે વાત કરી. આ અધિકારીનું નામ છે ચિંતન વૈષ્ણવ, કે જેઓ થોડા સમય પહેલા દેવભુમી દ્વારકાના મુખ્યમથક ખંભાળિયામાં મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, પરંતુ હાલ તેઓ જૂનાગઢમાં એક રેસ્ટોરન્ટમાં કામ કરી રહ્યાં છે. ચિંતન વૈષ્ણવને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. આ અંગે તેમનું કહેવું છે કે ઇમાનદારીથી નોકરી કરવાની સજા તેમને મળી છે. પરંતુ તેઓ ફરી જનતાની સેવા કરી શકશે તેવો તેમને દ્રઢ વિશ્વાસ છે.

ચિંતન વૈષ્ણવ હાલ જૂનાગઢમાં પાંડેજી પાર્સલ પોઈન્ટ રેસ્ટોરન્ટ ચલાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે ઇમાનદારીથી જનતાની સેવા કરવાનું તેમને આવું ફળ મળ્યું છે, ઇમાનદારીથી નોકરી કરતાં હતા, જે વાત તેમના ઉચ્ચ અધિકારીઓને ખટકતી હતી, આથી તેઓએ તેમને અસ્થિર કરવામાં કાઇ જ બાકી રાખ્યું નથી. તેમની સર્વિસના આઠ વર્ષમાં અનેક વખત બદલીઓ કરવામાં આવી તેમ છતા તેઓ હિમ્મત ન હાર્યા અને તેમની જનતાની સેવા ચાલુ રાખી, જો કે આ દરમિયાન સુરેન્દ્રનગરમાં મામલતદારના પોસ્ટિંગ દરમિયાન તેઓએ ખનીજ માફિયા સામે સખત કાર્યવાહી કરી હતી, આ કામગીરી બીરદાવવાને બદલે તેમના ઉચ્ચ અધિકારીઓએ ઠપકો આપ્યો. થોડા સમય બાદ તેઓને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા. કોઇ ક્લાસ વન ઓફિસરને ટર્મિનેટ કરવા હોય તો મસ મોટી તપાસ કરવામાં આવતી હોય છે, પરંતુ ચિંતન વૈષ્ણવનું કહેવું છે કે માત્ર નજીવું કારણ દર્શાવી તેઓને ટર્મિનેટ કરવામાં આવ્યા. જો કે પોતાને નિર્દોષ હોવાનો વિશ્વાસ હોવાથી તેઓએ કોર્ટમાં ટર્મિનેટ કરવાના નિર્ણયને પડકાર્યો છે,  તેવોને ન્યાયતંત્ર પર ભરોસો છે, અને ફરી તેઓ જનતાની સેવા કરી શકશે.