જામનગરમાં રોગચાળાનું પ્રમાણ વધારે હતુંઃ આરોગ્ય અગ્રસચિવ

રોગચાળાને નાથવા જરૂરી પગલા લીધા

જામનગરમાં રોગચાળાનું પ્રમાણ વધારે હતુંઃ આરોગ્ય અગ્રસચિવ
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિની ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

રાજ્યમાં વકરી રહેલા રોગચાળાને લઇને આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ખાસ કરીને ડેંગ્યુને પહોંચી વળવા યુદ્ધના ધોરણે કામગીરી કરાઇ રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ડેંગ્યુની ઝપેટમાં સૌથી વધુ પ્રભાવિત જામનગર જિલ્લો થયો હોવાનું ખુદ નાયબ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું છે, હવે આ અંગે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે આરોગ્ય વિભાગે રોગચાળાને નાથવા જરૂરી પગલા લીધા છે. જામનગર જિલ્લામાં 781થી વધુ કર્મચારીઓ-અધિકારીઓને જવાબદારી સોંપાઇ છે. મચ્છરદાનીનું વિતરણ કરાયું છે. 235 ટીમો સર્વેલન્સ માટે બનાવવામાં આવી છે. 96 ટકાથી વધુ સર્વેલન્સ કામગીરી પૂર્ણ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે જામનગર શહેરને ડેંગ્યુએ ભરડામાં લીધું છે. રાજ્યમાં સૌથી વધુ ડેંગ્યુના કેસ જામનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં નોંધાતા ગાંધીનગરથી આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. સરકાર દ્વારા વધારાનું પેકેજ ફાળવવાથી લઇને હેલ્થ સ્ટાફમાં વધારો કરવા સુધીના પગલાઓ તાત્કાલિક ધોરણે લેવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે ખુદ જામનગર આવી પહોંચ્યા હતા અને કામગીરીની સમીક્ષા કરી હતી.