લોકડાઉન  લંબાતા જામનગર કલેકટરે યોજી ખાસ બેઠક

વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી લોકહિતના નિર્ણયો કરાયા

લોકડાઉન  લંબાતા જામનગર કલેકટરે યોજી ખાસ બેઠક

Mysamachar.in-જામનગર

કોરોના મહામારીને  પગલે પ્રધાનમંત્રી દ્વારા આજે લોકડાઉનની સમય મર્યાદા વધારી ૩ મે સુધી કરવામાં આવી છે. જેને અનુસંધાને કલેકટર રવિશંકર દ્વારા તાત્કાલિક વિવિધ વિભાગીય અધિકારીઓ -કર્મચારીઓ સાથે સંકલિત કામગીરી અંગેની ચર્ચાઓ માટે બેઠક યોજાઇ હતી, આ બેઠકમાં કલેકટરએ વધુ સુદ્રઢીકરણ કરી સેનિટાઇઝેશનની કામગીરી તેમજ સેમ્પલ કલેક્શન અને ચેકિંગની વ્યવસ્થા અંગેની વાતચીત કરી હતી. આગામી દિવસોમાં લોકડાઉનનું સખ્તાઇથી પાલન થાય તે માટે કલેક્ટર દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કરી સિલેક્ટિવ તેમજ એસેન્શિયલ બાબતો માટે લોકોની અવરજવર વગેરે વિષય પર ખાસ ચર્ચા કરાઇ હતી તેમજ ફુડ સપ્લાયની કામગીરી વધુ સુદઢ રીતે થાય તે અંગે નિર્ણય લીધા હતા.

કલેકટરએ દરેક ગામમાં પણ જે તે ગ્રામ વિસ્તારના અધિકારી ત્યાંના રાશનકાર્ડ ધારક ન હોય તેવા મજૂરો અને ખેત મજૂરોનું પણ ધ્યાન રાખી તેઓને તેમના સ્થળ પર ફૂડપેકેટ કે રાશનકીટ મળી રહે તે અંગેનું માઈક્રો પ્લાનિંગ કર્યું હતું. જિલ્લામાં એક પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે તંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરીને લોકોને અન્ન પુરવઠા પૂરો પાડવાની કામગીરી થઇ રહી છે તેને ગ્રામ્ય કક્ષાએ પણ વધુ ચોકસાઈપૂર્વક આયોજનબધ્ધ કરી શકાય તે માટે વહીવટી અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. જિલ્લામાં હેલ્પલાઇન નં. ૧૦૭૭  સતત કાર્યરત છે પરંતુ સાથે જ જો કોઇને ફુડ પેકેટ કે રાશનની આવશ્યકતા હોઇ  ૦૨૮૮-૨૫૪૧૯૬૦ નંબર પણ કાર્યરત કરવામાં આવેલ છે.

આ બેઠકમાં જામનગર મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ એ જણાવ્યું હતું કે, જામનગર શહેરમાં કોઇપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની મેડિકલ ઈમરજન્સી ઉત્પન્ન થાય તો તે માટે કોર્પોરેશન દ્વારા હેલ્પલાઇન નંબર: ૯૯૦૯૦૧૧૫૦૨, ૦૨૮૮-૨૬૭૨૨૦૮ શરૂ કરવામાં આવેલ છે તેમજ જે.એમ.સી. ખાતે પાણી,ડ્રેનેજ, પશુ વગેરે માટે કમ્પ્લેન નોંધાવવા માટે પણ ૧૮૦૦૨૩૩૦૧૩ નંબર સતત કાર્યરત કરવામાં આવેલ છે. આ બેઠકમાં એસ.પી.શરદ સિંઘલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા વગેરે અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.