યુવકો સાવધાન ! એક યુવક સાથે બન્યું છે આવું...

ફોન પર ફ્રેન્ડશિપ થઇ હતી

યુવકો સાવધાન ! એક યુવક સાથે બન્યું છે આવું...

Mysamachar.in-બોટાદઃ

મહિલાની મીઠી મીઠી વાતોમાં આવી ચશ્માનો વેપાર કરતો યુવક ફસાઇ ગયો અને 22 હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે ફરિયાદ બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી મહિલા સહિત છ લોકોની ધરપકડ કરી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બોટાદ જિલ્લાના સાંકરડી ગામના મૂળ વતની અને હાલ સુરત ખાતે રહેતી નયના ઉર્ફે નિધિ ઉર્ફે માહી સરવૈયા નામની મહિલાએ બોટાદના 33 વર્ષિય ભાર્ગવ પંચાલ નામના વેપારી સાથે પહેલા ફોન પર ફ્રેંડશિપ કરી પ્રેમજાળમાં ફસાવી લીધો, ત્યારબાદ ભાર્ગવના અશ્લિલ ફોટા પાડી તેની પાસેથી મહિલા તથા તેના મળતિયાઓ દ્વારા રૂપિયા પાંચ લાખની ખંડણી માગવામાં આવી હતી, આ દરમિયાન ભાર્ગવ પાસેથી 22 હજાર ખંડણી પેટે લઇ લેવામાં આવ્યા હતા.

ફરિયાદમાં ભાર્ગવે જણાવ્યું કે ખંડણી આપવાની મનાઇ કરતાં મહિલાના સાથીદારોએ તેનું અપહરણ પણ કર્યું હતું અને અવાવરુ જગ્યાએ લઇ જઇ તેને મૂંઢમાર મારવામાં આવ્યો હતો. તથા જો ખંડણી નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે ભાર્ગવે પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી નયના સહિત 6 શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ આજના યુગમાં 24 કલાક મોબાઇલમાં વ્યસ્ત રહેતા યુવકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે, હનિટ્રેપના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે, જેમાં મહિલાઓ તથા તેના મળતિયાઓ દ્વારા હનિટ્રેપ ગોઠવી ધાક-ધમકીથી પૈસા પડાવી લેવામાં આવે છે, હનિટ્રેપમાં અનેક રાજકારણીઓ પણ ફસાઇ ચૂક્યાના દાખલા છે. હનિટ્રેપમાં ફસાયેલા લોકોમાં સમાજમાં ઇજ્જત જવાની બીકનો લાભ આવી મહિલાઓ તથા તેના મળતિયાઓ ઉઠાવી રહ્યાં છે. બોટાદમાં હનિટ્રેપના આ કિસ્સાથી સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.