'બહેન હું મરી જાઉં છું, મારા મોત બાદ મારી લાશ પતિને ન બતાવતા' 

કરિયાવર સહિતની બાબતે સાસરિયાઓનો ત્રાસ 

'બહેન હું મરી જાઉં છું, મારા મોત બાદ મારી લાશ પતિને ન બતાવતા' 

Mysamachar.in-અમદાવાદ:

દહેજનું દુષણ ડામવા લાખ પ્રયાસો થાય છે, કાયદામાં પણ વિવિધ જોગવાઈઓ આ અંગે કરવામાં આવી છે, છતાં પણ કેટલાક દહેજભૂખ્યા સાસરિયાઓ વહુને દહેજ માટે એટલી હદે ત્રાસ આપે છે કે ના છૂટકે આવી દીકરીઓ આપઘાત કરવા મજબુર બની જાય છે, આવો વધુ એક કિસ્સો રાજ્યના મેગાસીટી અમદાવાદમાં સામે આવ્યો છે. 'બહેન હું મરી જાઉં છું, મારા મોત બાદ મારી લાશ પતિને ન બતાવતા અને દિકરાને તમે રાખી સાચવજો ' આવો મેસેજ લખી બહેનને મોકલી પરણિતાએ આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતકના પિતાએ નારોલ પોલીસ મથકમાં સાસુ, પતિ, નણંદ-નણંદોઇ સામે શારિરીક માનસિક ત્રાસ, દહેજની માંગણી અને આત્મહત્યા માટે દુષપ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

મુકેશભાઇ પરમારની દિકરી રંજનના લગ્ન ત્રણ વર્ષ પહેલાં નારોલ ખાતે રહેતા કેતન ચૌહાણ સાથે થયા હતા. ત્યારબાદ રંજન નણંદ, દિયર, સાસુ-સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્નના થોડા મહિના બાદ નણંદ સોનલ પરમાર અને નણંદોઇ કિરણ પરમાર કરીયાવર ઓછુ આપવા સહિતની બાબતે બોલચાલ કરી ઝઘડો કરતા હતા. અને અવારનવાર માનસિક ત્રાસ કરિયાવર બાબતે આપતા હતા . આ મામલે રંજને પિતાને જાણ કરી હતી પિતાએ પણ તેનો સંસાર ન બગડે તે માટે તેને સમજાવી હતી.

આ દરમિયાન ગયા વર્ષે જ રંજને દિકરાને જન્મ આપ્યો હતો. દિકરાના જન્મબાદ તો ત્રાસ સતત વધી રહ્યો હતો. પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેઓ દિકરીને સાસરીયે જ રહેવા સમજાવતા હતા, એવામાં ગત તા. 10 મેના રોજ રાત્રીના સમયે રંજને તેની બહેન ગાયત્રીના મોબાઇલ પર મેસેજ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, 'હું મરી જાઉ તો મારા દિકરાને સાચવી લેજો. મારી લાશ પતિને ન બતાવતા. માતા-પિતા મને માફ કરજો અને મારા દિકરાને સાજવી લેજો. તને મારો મેસેજ મળે ત્યારે ફોન કરજે જીવતી હોઇશ તો ફોન ઉપાડીશ.

મેસેજ જોતા જ રંજનને ફોન કર્યો હતો. ત્યારે સાસરીયાએ ફોન ઉપાડી જણાવ્યું હતું કે, રંજન ફાંસો ખાવા જતી હતી બચી ગઇ છે અને હોસ્પિટલમાં છે. સારવાર દરમિયાન દિકરીનું મોત થતા પિતા મુકેશભાઇ પરમારે સાસુ ધનીબહેન ચૌહાણ, પતિ કેતન ચૌહાણ , નણંદ સોનલ પરમાર અને નણંદોઇ કિરણ પરમાર સામે ફરિયાદ નોંધાવતા નારોલ પોલીસે તપાસ શરૂ કરી છે.