સસ્તી જમીનની લાલચ પડી મોંઘી, દલાલોએ યુવક સાથે કર્યું આવું...

યુવકને લાલચ પડી મોંઘી

સસ્તી જમીનની લાલચ પડી મોંઘી, દલાલોએ યુવક સાથે કર્યું આવું...

Mysamachar.in-સુરતઃ

હાલ રાજ્યમાં જમીનના ભાવ સાતમાં આસમાને છે. સામાન્ય વ્યક્તિને મકાન ખરીદવું હોય તો બે વાર વિચાર કરવો પડે તેવું છે. જો કે સસ્તી જમીનની લાલચમાં યુવક સાથે મોટી ઘટના બની ગઇ. પહેલા સસ્તી જમીન અપાવવાનું કહી અમદાવાદના યુવકને સુરત બોલાવવામાં આવ્યો. ત્યારબાદ તેને રોકડ રકમ સાથે લૂંટી લેવામાં આવ્યો. આ કામમાં દલાલોએ યુવકને ભોળવી લીધો અને મોકાની જમીન સસ્તા ભાવે મળી જશે તેવા સપના દેખાડ્યા, પરંતુ જ્યારે યુવક પૈસા લઇને પહોંચ્યો કે તેની સાથે ન થવાની થઇ.

વાત એવી છે કે અમદાવાદમાં હોટેલના વ્યવસાય સાથે જોડાયેલા અમદાવાદના યુવકને દલાલોએ સુરતના ઓલપાડ ખાતે સસ્તી જમીન અપાવવાનું કહેવામાં આવ્યું. સસ્તામાં જમીન મળી જશે તેવી લાલચે યુવક રૂપિયા 31 લાખ રોકડા સાથે લઇને ટોકન આપવા માટે સુરત પહોંચ્યો, જ્યાં અગાઉથી જ રાહ જોઇ રહેલા જમીનના દલાલો જમીન બતાવવાનું કહી નરથાણ દાંડી રોડ પર લઇ ગયા, અહીં તેણે યુવક પાસેથી ટોકનના 31 લાખ રૂપિયા લૂંટી લીધા. આ લૂંટ દરમિયાન યુવક સાથે ઝપાઝપી પણ થઇ હતી. બાદમાં યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી જેમાં તેણે જણાવ્યું કે જે દલાલો જમીન અપાવવાના હતા તેઓએ જ લૂંટ ચલાવી છે. પોલીસે પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી છે.