Mysamachar.in-જામનગર:
ગુજરાત સરકાર/નર્મદા પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ગુજરાતમાં સૌની યોજના થકી પાઇપલાઇન નાંખવામાં આવી રહી છે, જેમાં અલગ-અલગ સાઈઝ, ડાયામીટરની પાઈપ હોય તેમજ અલગ અલગ જિલ્લા,વિસ્તાર, ગામડાઓના ભૌગોલિક વિસ્તાર મુજબ કામ કરવામાં આવી રહ્યું છે. લાંબા ગાળાની યોજના હોય તો જે સરકારી વિભાગ કે એજન્સી દ્વારા પાથરવામાં આવી રહી છે. તેમાં ઘણી બધી ક્ષતિઑ સામે આવેલ છે જેમાં મુખ્ય પાઈપ લાઈન ઉપર જે પ્રમાણિત L.S. ડ્રોઈંગ મુજબ પાઇપ ઉપર 1200 M.M. થી વધારે કવર આવવું જોઈએ નહીં. પણ અત્યારની ફેઝ-3 ની યોજનામાં ઘણી જગ્યાએ 1500 M.M. થી 3000 M.M. જેટલું વધારે કવર આવે છે જો આવી રીતે ડિઝાઇન હોય અને 1200 M.M. થી વધારે કવર આપેલ હશે તો ભવિષ્યમાં પાઈપ બેન્ડ થઈ જવાના કે તૂટી જવાનો ખતરો છે.
ઉપરાંત ગામડાના ઇન્ટરનલ રોડ, પંચાયત રોડ, સ્ટેટ રોડ, નદી તેમ નાલાઓમાં પણ આ લાઈન ઉપર આવતા લોડ/ધોવાણ ને લીધે પાઇપલાઇન ક્ષતિગ્રસ્ત થવાની કે બેન્ડ/તૂટી જવાની સંભાવનાઓ રહેલ હોય, ત્યાં જરૂરી જાડાઈનું (12 M.M. સ્ટીલ અને 500 M.M. કવર)નું કોંક્રીટ કામ કરવું ખૂબ જ જરૂરી છે. અન્યથા સરકારના ડ્રીમ પ્રોજેકટ કે જેમાં કરોડો અબજો રૂપિયાનો ખર્ચ કરેલ હોય, એ કામ કરવાનો હેતુ કાંઈ નહીં રહે અને બધો ખર્ચ વ્યર્થ જશે. ત્યારે આ બાબતે ઘટતું કરવા તાત્કાલિક ધોરણે લાગુ પડતા સરકારી વિભાગ, થર્ડ પાર્ટી એજન્સી અને કોન્ટ્રાક્ટર એજન્સીઓને જરૂરી નિયમાનુસારની સૂચના આપવા ખંભાલીયા ધારાસભ્ય વિક્રમ માડમે રજૂઆત કરી છે.