આ કારણે થાય છે વાળ સફેદ, રિસર્ચમાં ખુલાસો

વાળના રંગ માટે જવાબદાર કોશિકાઓ શોધાઇ

આ કારણે થાય છે વાળ સફેદ, રિસર્ચમાં ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

આજના હરિફાઇ યુગમાં લોકોમાં અનેક પ્રકારની બીમારી જોવા મળી રહી છે, લોકોમાં વાળ સફેદ થવાની ફરિયાદો વધુ જોવા મળે છે, નાની ઉંમરે વાળ સફેદ થવાની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. જો કે હવે ચિંતા કરવાની જરૂર નથી, વૈજ્ઞાનિકોએ વાળના રંગ માટે જવાબદાર કોશિકાઓ શોધાઇ હોવાનો દાવો કર્યો છે, રિસર્ચ પ્રમાણે માથાના વાળ સફેદ થવા પાછળનું એક કારણ ‘તણાવ’ છે. રિસર્ચ મુજબ શરીરમાં રહેલાં સ્ટેમ સેલ (કોશિકાઓ) ચામડી અને વાળના રંગ માટે જવાબદાર હોય છે. તણાવને લીધે આ કોશિકાઓની કાર્યપ્રણાલી પર અસર પડે છે. તેને લીધે વાળના રંગ પર અસર પડે છે.

રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો અનુસાર 30 વર્ષની ઉંમર પછી મહિલા અને પુરુષ બંનેમાં સફેદ વાળ આવવાની શરૂઆત થઈ જાય છે. કેટલાક લોકોમાં તે જિનેટિક હોય છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં તણાવ જવાબદાર હોય છે. તણાવને લીધે માત્ર માથાના વાળનો રંગ જ કેમ સફેદ થાય છે તેનું ચોક્કસ કારણ વૈજ્ઞાનિકો જાણી નથી શક્યા. મિલેનોસાયટ કોશિકા મિલેનિનનું નિર્માણ કરે છે. વાળ અને ચામડીનો રંગ કેવો હશે તે મિલેનિન નક્કી કરે છે. ઉંદરો પર કરવામાં આવેલાં રિસર્ચ પરથી માલુમ પડ્યું કે તણાવની પરિસ્થિતિમાં ઉંદરોમાં એડ્રિનેલિન અને કાર્ટિસોલ હોર્મોન રિલીઝ થયા હતા અને હૃદયના ધબકારાં વધ્યા હતા તેમજ તેમનું બ્લડ પ્રેશર પણ વધી ગયું હતું. તેનાથી નર્વસ સિસ્ટમ પ્રભાવિત થાય છે.

રિસર્ચથી જોડાયેલા પ્રોફેસર સૂનું કહેવું છે કે, સતત તણાવની પરિસ્થિતિમાં વાળમાં મિલેનિનનું નિર્માણ કરતી કોશિકાઓ નિષ્ક્રિય બને છે. તણાવની આખા શરીર પર નકારાત્મક અસર થાય છે. રિસર્ચમાં સામેલ ઉંદરો અને સામાન્ય ઉંદરોનાં જનીનના અભ્યાસમાં સામે આવ્યું કે સાયક્લિન ડિપેંડેંટ કાઈનેઝ નામનું ખાસ પ્રોટીન વાળનો રંગ બદલવા માટે જવાબદાર છે. આ પ્રોટીનને ઉત્પન્ન થતાં રોકવા માટે વૈજ્ઞાનિકો દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રયોગ દરમિયાન ઉંદરોને બ્લડ પ્રેશર સામાન્ય કરવા માટે એન્ટિ હાઈપરટેન્સિવ દવા આપવામાં આવી હતી. આ દવાને લીધે પ્રોટીનનું સ્તર ઘટ્યું હતું અને સ્ટેમ કોશિકાઓ ઓછી પ્રભાવિત થઈ હતી. આ પ્રોટીનને ઓછું કરવા માટે વૈજ્ઞાનિકો નવી દવાની શોધ કરી રહ્યા છે.