'મહા વાવાઝોડા'ની અસર, દરિયો તોફાની બન્યો અને વરસાદ શરૂ

રાજ્યભરમાં વરસાદી માહોલ

'મહા વાવાઝોડા'ની અસર, દરિયો તોફાની બન્યો અને વરસાદ શરૂ

Mysamachar.in-અમદાવાદઃ

ગુજરાત માથે વધુ એક આફત થોડા દિવસોમાં દસ્તક દેશે, જેની અસર વર્તાવાની શરૂ થઇ છે, અરબી સમુદ્રમાં સક્રિય થયેલું મહા વાવાઝોડું ધીમી ગતિએ ગુજરાત તરફ આવી રહ્યું છે. વાવાઝોડાના પ્રભાવ સ્વરૂપે રાજ્યમાં ચોમાસા જેવું વરસાદી વાતાવરણ સર્જાયું છે. વહેલી સરવારથી જ ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે, તો ગુજરાતના દરિયાકાંઠે મહાકાય મોજા ઉછળવાનું શરૂ થઇ ગયું છે. અગમચેતીના ભાગ રૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાઇ છે. જ્યારે ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી 7 નવેમ્બરે મહા વાવાઝોડું ગુજરાતને ધમરોળશે, જો કે વાવાઝોડા પહેલા જ ગુજરાતમાં વરસાદી માહોલ શરૂ થઇ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી સહિતના જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, કેટલાક સ્થળો પર વરસાદી ઝાપટા શરૂ થયા હતા. તો કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. હાલ દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકનું વાવેતર મોટા પાયે કરવામાં આવે છે, એવામાં ભારે વરસાદથી મોટો પ્રમાણમાં નુકસાની થવાનો અંદાજ છે.

તો સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ પંથકમાં પણ મહા વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થઇ ગઇ છે. જેમાં વહેલી સવારથી અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું શરૂ થઇ ગયું છે. અહીં દરિયામાં મહાકાય મોજા ઉછળી રહ્યાં છે, જ્યારે ભારે પવન ફુંકાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં વાવઝોડું 90 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. જે 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. વાવાઝોડાને પગલે તંત્રને સ્ટેન્ડબાય રહેવા અને રજા રદ કરવાની સૂચના આપી દેવાઇ છે.