ક્યાંક છાપરા ઉડ્યા તો ક્યાંક વાદળ ફાટ્યું, 'મહા વાવાઝોડા'ની આફત

જાણો વાવાઝોડાની પળેપળની માહિતી

ક્યાંક છાપરા ઉડ્યા તો ક્યાંક વાદળ ફાટ્યું, 'મહા વાવાઝોડા'ની આફત
ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

ગુજરાત તરફ ધીમી ગતિએ મહા વાવાઝોડાની આફત આગળ વધી રહી છે, જો કે વાવાઝોડું આવે એ પહેલા જ તેની અસર શરૂ થઇ ગઇ છે. જેમાં રાજ્યભરમાં ચોમાસું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તો ભારે પવન અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મહા વાવાઝોડું લક્ષદ્વિપ પહોંચી ગયું છે જે આગામી 7 નવેમ્બરે ગુજરાતને ધમરોળશે. જો કે આ પહેલા જ આજે વહેલી સવારે ગીર સોમનાથ, દીવ અને નવસારીમાં ધોધમાર વરસાદની સાથે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે, દરિયામાં મહાકાય મોજા ઉછળી રહ્યાં છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે દીવમાં વાદળ ફાટ્યું હતું. શુક્રવારે મોડી રાતે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જે શનિવારે સવાર સુધી ચાલુ છે. આ દરમિયાન 6 કલાકમાં દીવમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. હજુ પણ આ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો નવસારીના બોરસી માછીવાડ ગામે ભારે પવન ફુંકાતા 25 ઘરોના પતરા ઉડ્યા છે, તો અહીં રહેતા લોકોનુ સ્થળાંતર કરવાની ફરજ પડી છે.સ્થાનિકોની ફરિયાદ છે કે આફતના સમયે તંત્ર તેની મદદે આવ્યું ન હતું. દરિયાકાંઠે રહેતાં માછીમારોએ સુકવણી કરેલી માછલીઓ પલળી જતા મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ચોમાસું લંબાતા માછીમારો છેલ્લા કેટલાય સમયથી દરિયામાં ગયા નથી તો સ્ટોક કરેલી માછલી પણ પલળી જતાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બીજી બાજુ ગીર પંથકમાં પણ વહેલી સવારથી વરસાદ આફત બનીને આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં વીજળીના કડાકા ભડકા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. જિલ્લાના કોડિનાર, ઉના, વેરાવળ, સહિતના પંથકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે.