સત્તા માટે રાઘવજી પટેલે કેટલીવાર કર્યો પક્ષપલટો જાણો....

આ વખતે શું થશે સૌની નજર.?

સત્તા માટે રાઘવજી પટેલે કેટલીવાર કર્યો પક્ષપલટો જાણો....

Mysamachar.in-જામનગર:

રાજકારણમાં સત્તાનુ મહત્વ વધુ હોય છે અને સત્તા મળ્યા બાદ આ લાલચ કોઈ પણ રાજકારણીનો પીછો છોડતી નથી. આ કારણે જ રાઘવજી પટેલ જેવા ખંધા રાજકારણીએ સત્તા માટે પાંચ વખત પક્ષપલ્ટો કરીને અંતે સત્તાધારી ભાજપ પાર્ટીમાં પ્રવેશ કરીને ફરીથી જામનગર ગ્રામ્યની પેટાચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવશે, ત્યારે રાઘવજી પટેલ અનેક વખત વિવાદોમાં આવ્યા છે,

વર્ષોથી રાજકારણની રમત રમતા રાઘવજી પટેલની રાજકીય સફર પર નજર નાખીએ તો પ્રથમ વખત રાઘવજી પટેલ ૧૯૭૫ થી ૧૯૮૨ સુધી ધ્રોલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ રહ્યા, ૧૯૮૨ થી ૧૯૮૯ સુધી જામનગર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા અને આ ગાળા દરમિયાન તેઓ જિલ્લા પંચાયતની લતિપર બેઠક પરથી સદસ્ય તરીકે ચૂંટાયા હતા અને વિધાનસભાની ચૂંટણી આવતા રાઘવજી પટેલે પ્રથમ વખત કોંગ્રેસ પક્ષમાંથી કાલાવડ બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલ સામે ચૂંટણી લડયા હતા, જેમાં ભારે રસ્સાકસ્સીભર્યા ચૂંટણીજંગમાં રાઘવજી પટેલની હાર થઇ હતી,રાઘવજી પટેલ કેશુભાઈ પટેલની નજરમાં આવી જતા રાઘવજી પટેલને ભાજપમાં લઈ આવ્યા હતા અને કાલાવડ બેઠક પર ભાજપમાંથી રાઘવજી પટેલ ચૂંટણી લડીને બે ટર્મ ધારાસભ્ય રહ્યા હતા,તેવામાં હજુરીયા ખજુરીયા કાંડ થતાં રાઘવજી પટેલ શંકરસિંહ જુથમાં ભળીને સત્તા માટે મંત્રી બની ગયા,
 


પરંતુ કોંગ્રેસના ટેકાવાળી સરકારમાં સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ મુખ્યમંત્રી રહ્યા બાદ ટૂંકાગાળામાં જ કોંગ્રેસ ટેકો પાછો ખેંચી લેતાં વિધાનસભાની ચૂંટણી આવી હતી, તેમાં શંકરસિંહ વાઘેલાએ પોતાનો અલગ પક્ષ બનાવીને બ્યુગલ નિશાન સાથે ચૂંટણીજંગમાં રાઘવજી પટેલ સહિતના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ ગુજરાતની જનતાએ શંકરસિંહ વાઘેલાના આ ત્રીજા પક્ષને જાકારો આપ્યો હતો. જેમાં ધ્રોલ-જોડિયા ની બેઠક પરથી રાઘવજી પટેલ ને ભાજપના મગનભાઈ કાસુન્દ્રા સામે પણ વધુ એક વખત હારનો સામનો કરવો પડ્યો હતો,

પરંતુ મગનભાઈ કાસુન્દ્રાનું અવસાન થતાં ૧૯૯૯માં ફરીથી ધ્રોલ-જોડિયા ની પેટા ચૂંટણી આવી પડતા રાઘવજી પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને જીત મેળવી હતી તે સમય દરમિયાન રાઘવજી પટેલે લોકસભામા થી પણ કોંગ્રેસમાં થી ઝંપલાવ્યું હતું,અને તેમાં પણ તેનો પરાજય થયો હતો,ફરી ૨૦૦૨માં રાઘવજી પટેલને ભાજપના પરસોતમભાઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ૨00૭માં આજ બેઠક પરથી રાઘવજી પટેલ નિવૃત્ત આઇ.એ.એસ અધિકારી બાબુ ઘોડાસરાને પરાજય આપ્યો હતો,

 

દરમિયાન નવુ સીમાંકન થતા રાઘવજી પટેલ ને બેઠક ફેરવવી પડી અને ૨૦૧૨ માં ફરીથી રાઘવજી પટેલ જામનગર ગ્રામીણ ની બેઠક પરથી પોતાના નસીબનો ઝોક અજમાવવા આવ્યા ને ત્યાં તેનું પાનું લાગી ગયું,અને ભાજપના તત્કાલીન ગુજરાત પ્રદેશ પ્રમૂખ આર.સી.ફળદુને રાઘવજીએ હરાવી દીધા હતા.

પરંતુ આ માણસ સત્તા વગર રહી ના શકે અને ભાજપ તરફનું પલડું ભારે હોવાનું સુજી જતા રાઘવજી પટેલે કોંગ્રેસને અલવિદા કરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો, ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને પાટીદાર ફેકટર અને પક્ષપલટાની નીતિએ રાઘવજીને કારમી પછડાટ આપી ત્યારે ચર્ચાઓ એવી થઇ હતી કે હવે રાઘવજીનો રાજકીય સુર્ય આથમી ચુક્યો...પણ એકવર્ષ બાદ ફરીથી તેનો સૂર્યોદય થયો હોય તેમ રાઘવજીને પક્ષે વધુ એક વખત પેટાચુંટણીમા તક આપી છે,

ત્યારે કોંગ્રેસ તેમની સામે ક્યાં ઉમેદવારને ટિકિટ આપે છે, ત્યારબાદ જ્ઞાતીગત સમીકરણોની સામે આ બેઠક પર જનતા પોતાનો કેવો મિજાજ દેખાડે છે, તેના પર સૌ કોઈ રાજકીય પંડિતોની નજર છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.