માનવતા નેવે મુકાઇ....ખાનગી સ્કૂલ-કોલેજો એ શરૂ કરી ફી ની ઉઘરાણી યથાવત 

સંવેદનશીલ સરકાર સામે લોકરોષ

માનવતા નેવે મુકાઇ....ખાનગી સ્કૂલ-કોલેજો એ શરૂ કરી ફી ની ઉઘરાણી યથાવત 

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

લોકડાઉનમાં બાલમંદિરથી માંડીને મહાવિદ્યાલયો બંધ છે અને હજુ ક્યારે ખુલશે તે અનિશ્ચિત છે, ભણવાનું બે મહિનાથી બંધ છે છતાં નવું સત્ર શરુ થાય તે પહેલા  અનેક ખાનગી સ્કૂલ-કોલેજોએ વાલીઓ પાસે ફીની ઉઘરાણી શરુ કરતા કચવાટ જાગ્યો છે. શહેરની અમુક  ખાનગી સ્કૂલે વાલીઓને તગડી ટયુશન ફી જમા કરાવી જવા દબાણ કરતા વાલીઓએ આ અંગે ફરિયાદ કરી છે પરંતુ, આ ફરિયાદ એકલ-દોકલ સ્કૂલ-કોલેજની નહીં  કેટલાય વાલીઓની છે.

રાજ્ય સરકારે શાળાઓ માટે ફી નિર્ધારણ સમિતિના નામનો દેખાવ કર્યો પણ વાસ્તવમાં હાલ કમ્મરતોડ ફીનું ધોરણ ચાલુ જ છે. જેમ કે ધો.7,8 ધોરણમાં 40થી 50 હજારની ફી વસુલાય છે. તો ઈજનેરી અને મેડીકલ કોલેજો સરકારે પોતે શરુ કરવાને બદલે ખાનગી સંચાલકોને માત્ર કોલેજો શરુ કરવા નહીં પણ એક એક વિદ્યાર્થી-વિદ્યાર્થીની પાસેથી લાખો ફી વસુલવા પણ મોકળુ મેદાન આપી દીધું છે. સરકારે સ્કૂલોને આટલા વર્ષો અનેક વેરામાં રાહત આપી છે અને  છૂટ પણ આપી છે ત્યારે હવે વાલીઓ કોરોના લોકડાઉનમાં ધંધા રોજગાર ભાંગી પડતા મુસીબતમાં  છે ત્યારે છ માસ માટે સરકાર છૂટ કે માફી કે પચાસ ટકા ફી માફી ન અપાવે તો સંવેદનશીલતા  કેવી ગણવી તે સવાલ છે.

નેતાઓના ભાષણમાં ધરાર મેદની ભેગી કરવા માટે સ્કૂલ-કોલેજોનો ઉપયોગ કરાયો છે તે સર્વવિદિત છે. હાજરી દેખાડવા વિદ્યાર્થીઓને લઈ જવાય અને નેતાઓના ભાષણો તેઓ સાંભળે છે ત્યારે હવે આ વિદ્યાર્થીઓના વાલીઓની વેદના સાંભળવાની તસ્દી નેતાઓ લે તે જરૂરી છે. ટયુશન ફી મોકુફ રાખવા કે માફી કરવા માંગણી કરનારા મધ્યમવર્ગના એ લોકો છે જેઓને સરકાર પાસે માંગવાની ટેવ નથી. તેઓ એટલા સમજદાર છે કે કમ્મરતોડ ફી પણ નિયમિત ચૂકવતા રહ્યા છે.  ત્યારે સ્કૂલ-કોલેજો અને સરકારે સંકલન સાધીને સામેથી હાલના સમયમાં છ માસના સત્રની ફી માફ કરવા જેવા નિર્ણય લેવાની જરૂર છે.