'જો અમારા સર નહીં આવે તો અમે આ સ્કૂલમાં પગ નહીં મૂકીએ'

શિક્ષકની બદલી થતા વિદ્યાર્થી નારાજ

'જો અમારા સર નહીં આવે તો અમે આ સ્કૂલમાં પગ નહીં મૂકીએ'

Mysamachar.in-જામનગરઃ

જામનગરના નાની ખાવડીમાં એચ ટાટ મુખ્ય શિક્ષકની બદલી કરવામાં આવતાં ગામજનો તથા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષકની બદલી રોકવા માટે નાની ખાવડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું કે ગ્રામીણ પ્રાથમિક શાળાઓમાં કુશળ એચ ટાટ મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવી હતી, જેના કારણે નાની ખાવડી પ્રાથમિક શાળામાં છેલ્લા સાત-આઠ વર્ષમાં હકારાત્મક પરિવર્તન આવ્યા છે. પરંતુ પ્રાથમિક શિક્ષણ નિયામકના આદેશ અન્વયે નિયત કરતાં ઓછી સંખ્યા ધરાવતી શાળાઓમાંથી એચ ટાટ મુખ્ય શિક્ષકની વધ ગણી અન્યત્ર બદલી કરવામાં આવી રહી છે. જે અમારા ગામની શાળાના ભવિષ્ય માટે અંધકારમય પુરવાર થાય તેમ છે. આથી સમગ્ર નાની ખાવડી ગામજનો વતી નાની ખાવડી પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદ ડાભીની વધ હેઠળ બદલી અટકાવવામાં આવે તેવી માગણી છે. અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ પણ ચિમકી ઉચ્ચારી કે 'જો અમારા સર નહીં આવે તો અમે આ સ્કૂલમાં પગ નહીં મૂકીએ'. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સરકારી પ્રાથમિક શાળાઓમાં સંખ્યાની ઘટ પડતા એચ ટાટના મુખ્ય શિક્ષકોને ફાજલ કરી અન્ય શાળામાં મૂકવાની તજવીજ હાથ ધરાઇ છે. પરંતુ અનેક સ્કૂલોમાં આચાર્યની બદલીથી વિરોધના વંટોળ પણ ઉઠ્યા છે.