મોટર વ્હીકલ એક્ટ નવા કાયદાને લઈને જી.પંચાયત પ્રમુખે સી.એમ.ને લખેલા પત્રમાં ટાંકયા છે આ મુદ્દાઓ..

મોટર વ્હીકલ એક્ટ નવા કાયદાને લઈને જી.પંચાયત પ્રમુખે સી.એમ.ને લખેલા પત્રમાં ટાંકયા છે આ મુદ્દાઓ..

Mysamachar.in-જામનગર:

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નવો મોટર વ્હીકલ એક્ટ સંસદમાં પસાર કરાવેલ છે. જેમાં ટ્રાફીક નિયમનના ભંગ બદલ વર્ષો જૂના કાયદામાં સુધારો કરી અનેક ગણો વધારો કરવામાં આવેલ છે. રાજ્યની સામાન્ય અને ગરીબ પ્રજાના શિરે આટલો મોટો દંડ ફટકારવામાં આવે તે વ્યાજબી નથી. રાજ્ય સરકારે કેન્દ્રના નિર્ણયમાં કેટલીક છુટછાટો આપી છે તે પણ ઘણી બધી વધારે જ છે.

ગુજરાતમાં ગરીબ-શ્રમિક વર્ગ નોકરીયાત વર્ગ વધારે છે. ખાસ કરીને ટુ વ્હીલર વાહનોમાં “ફરજિયાત હેલ્મેટ” ના નિયમમાં રાહત આપવાની જરૂર છે. નાગરીકો રોજગારી માટે અથવા ગામડેથી ખેડૂતો આવતા-જતાં હોય ત્યારે સૌથી વધુ ટુ વ્હીલરનો ઉપયોગ કરે છે. રોજ-બરોજનું કમાઈ ગુજરાન ચલાવનાર શ્રમિક વર્ગ કે મધ્યમવર્ગ નો માણસ રોજના 300 થી 400 રૂપિયા કમાતો હોય ત્યારે હેલ્મેટ નો ખર્ચ પણ પોષાય તેમ નથી. વળી શહેર કે તાલુકા ગ્રામ્ય કક્ષાએ હેલ્મેટની આવશ્યકતા ઘણી ઓછી હોય છે. હાઇવે ઉપર જ વધારે આવશ્યકતા છે. ગૃહિણીઓ-માતાઓ-બહેનો પોતાના સંતાન ને સ્કુલ કે ટ્યુશનમાં લેવા-મૂકવા 3 વ્હીલરનો ઉપયોગ મહતમ કરે છે ત્યારે સાદો કે નોન આઇ.એસ.આઇ હેલ્મેટ પહેરવાની મનાઈ ફરમાવેલ છે. આઇ.એસ.આઇ સ્ટાન્ડર્ડ  હેલ્મેટની કિંમત 800 થી 2000 રૂપિયા છે. જે પોષાય તેમ નથી. તેમજ હેલ્મેટ  વિક્રેતાઓ પણ બે ફામ ભાવો વસૂલે છે. તેના ઉપર કોઈ કંટ્રોલ નથી.


વધુમાં પીયુસી નો કોઈ મતલબ નથી. વાસ્તવમાં કોઈપણ વાહનમાં પીયુસી સર્ટી ફક્ત “ફોટો” પાડીને આપી દે છે. સરકાર જે રીતે પીયુસી નો આગ્રહ રાખે છે, તે મુજબ પીયુસી ની કાર્યવાહી થતીજ નથી. પ્રદૂષણ નિવારનનો હેતુ સિધ્ધ થતોજ નથી. ગમે તે વાહનને પીયુસી કાઢી આપવામાં આવે છે. હાલ માં પ્રજાને જાગૃત કરવા અને જરૂરી માર્ગદર્શન મળી રહી તે હેતુથી આર.ટી.ઓ તથા ટ્રાફિક શાખામાં પૂરતો સ્ટાફ પૂરો પાડી ખાસ કરીને તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ વર્કશોપ યોજી ટ્રાફિક નિયમનનું માર્ગદર્શન પુરૂ પાડવું જોઈએ. અચાનક જ પ્રજાને મસ મોટો દંડ ફટકારી આંકરો ડોઝ આપવો યોગ્ય નથી.

વધુમાં તાલુકા કક્ષાએ કે જામનગર શહેરમાં પૂરતા સીસીટીવી કેમેરાજ નથી. જેથી મસ મોટા દંડ ને કારણે રિશ્વતખોરી  વધશે તેવી પણ શંકા છે. ગેરકાયદેસર ચાલતા વાહનો એટલે કે નિયમોનુશાર પાર્સિંગ કરતાં વધારે મુસાફરો વહન કરતાં વાહનો શહેરમાં આડેધડ ગમે ત્યાં પેસેંજર ભરવા ઊભા રહી જાય છે. ટ્રાફિક જામ થઈ જાય છે. તેમજ પાર્કિંગ ખુલ્લા કરાવવા ઉપરાંત જાહેરમાં દબાણો સૌ પ્રથમ હટાવવા જરૂરી છે. આમ આ તમામ મુદાઓની લેખિત રજૂઆત રાજ્યના મુખ્યમંત્રીને જામનગર જીલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણી દ્વારા કરાઈ છે.