જન્માષ્ટમીને લઈને તંત્રની તૈયારીઓ, દ્વારકામા દરિયાઇ સહિત સુરક્ષા વધારાઇ

કલેક્ટરે અધિકારીઓ સાથે કરી બેઠક

જન્માષ્ટમીને લઈને તંત્રની તૈયારીઓ, દ્વારકામા દરિયાઇ સહિત સુરક્ષા વધારાઇ
File Image

Mysamachar.in- દેવભૂમિ દ્વારકા:

જગતમંદિર દ્વારકામા વર્ષ દરમિયાન ઉજવવામાં આવતા ફૂલડોલ ઉત્સવ અને જન્માષ્ટમી મહોત્સવનું અનેરું મહત્વ છે, અને દરરોજ કરતાં આ બે દિવસ તો દ્વારકાનગરી શ્રધ્ધાળુઓ થી ખીચોખીચ જોવા મળે છે, ત્યારે આગામી જન્માષ્ટમી ઉત્સવના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને દ્વારકા સર્કીટ હાઉસમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ મીટીંગમાં કલેકટર નરેન્દ્ર કુમાર મીના દ્વારા અનેક વિભાગને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપ્યું હતું.:

આ મીટીંગમાં યાત્રાળુઓને દર્શન માટે તકલીફ ન પડે તે માટે યોગ્ય બેરિકેટીંગ્સ અને મંદિરની સિક્યુરિટી મુખ્ય મુદ્દાઓ હતા. કલેકટર દ્વારા હોટલ તથા રેસ્ટોરન્ટના માલિકોને યાત્રાળુઓ પાસેથી યોગ્ય ભાડુ લેવું તેવુ જણાવ્યું હતું. અને યાત્રાધામ બેટ દ્વારકામાં  ફેરી બોટ અંગે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ,એસટી અને રેલવે વિભાગ, ફાયર અને આરોગ્યના પ્રશ્નોની પણ ચર્ચાઓ કરવામાં આવી તથા આ કાર્યક્રમ સફળ બને તે માટે કલેકટર દ્વારા જાહેર જનતા તથા અન્ય વિભાગને સહયોગ આપવા અપીલ કરી હતી. આ બેઠક માં જીલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી , દ્વારકા પી.આઇ, એ આરટીઓ તથા તમામ વિભાગના અધિકારીઓ અને પૂજારી પરિવાર સહિતના તમામ મહાનુભાવો અને વેપારી સંગંઠનૉએ  હાજરી આપી હતી.

આ બાબતો મહત્વની...
-દ્વારકા એસટી વિભાગ દ્વારા 87 જેટલા બસરૂટ ચલાવવામાં આવશે.

-કાના વિચાર મંચ દ્વારા ભવ્ય રથયાત્રા દ્વારકાના મુખ્ય માર્ગ પરથી ફરી વળશે.

-રથયાત્રાને અલગ અલગ સ્થળો પર દરેક જ્ઞાતિઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. 

-જગત મંદિરને જોડતા દર્શનપથ પર સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા માર્ગો પર રંગોળીઓ બનાવી સુશોભન કરાશે.

 -દ્વારકા મેડીકલ ટીમ દ્વારા ત્રણ 108 એમ્બ્યુલન્સ તૈનાત રખાશે.મંદિર પરિસરમાં ડોકટર, દવા તથા પ્રાથમિક સારવાર સુવિધા રાખવામાં આવશે. 
- સુરક્ષા વ્યવસ્થામાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે, દ્વારકા  તથા બેટ દ્વારકા જેટી પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવા સાથે પેસેન્જર ફેરીબોટ માં લાઇફ જેકેટ તથા વધુ પેસેન્જર ન બેસાડવામાં આવે તેના પર પણ તંત્રની નજર રહેશે..
-પાણી પુરવઠા બોર્ડ દ્વારા શહેરના અલગ અલગ ચાર જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાશે.વીસ જેટલા મોબાઇલ ટોઇલેટ રાખવા સાથે પીજીવીસીએલ દ્વારા પુરતો સ્ટાફ પણ સ્ટેન્ડ તું રખાશે, તથા જન્માષ્ટમી પહેલા તમામ વીજલાઇનો ચેક તથા સર્વીસ કરવામાં આવશે.

-દ્વારકા નગરપાલિકાના ચાર તથા ઓખા નગરપાલિકાના ત્રણ ફાયર ફાઇટર પણ સ્ટેન્ડ તું રહેશે 
-સમગ્ર ઉત્સવ નું લાઇવ ટેલીકાસ્ટ દૂરદર્શન દ્વારા કરવામાં આવશે. દ્વારકા રેલ્વે દ્વારા ટ્રેનમાં વધુ કોચ જોડવામાં આવશે.

-જન્માષ્ટમી દરમિયાન મંદિર નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.