Mysamachar.in-ગાંધીનગરઃ
ગાંધીનગર પોલીસે વાહન ચોરીના કેસમાં એક યુવકની ધરપકડ કરી છે, ધરપકડ બાદ જ્યારે આ યુવકની ક્રાઇમ કુંડળી ચેક કરવામાં આવી તો પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા. આ યુવકને પહેલીવાર જુલાઇ 2019માં 33 વાહન ચોરીના કેસમાં ડી સ્ટાફે પકડાયો હતો, ત્યારબાદ 23 વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો, એ વખતે તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી, ત્યારબાદ જેલમાંથી છૂટ્યા બાદ ફરી યુવક વાહન ચોરી કરવા લાગ્યો અને આ વખતે 8 વાહન સાથે પોલીસે ધરપકડ કરી, એટલે કુલ બે વર્ષમાં આ યુવકે 64 જેટલા વાહન ચોરીના ગુનાને અંજામ આપ્યો છે.
ગાંધીનગરની સેક્ટર 8ની પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે સેક્ટર 8માંથી ચોરીના બાઇક સાથે સંજય ઉર્ફે લાલો બજાણીયાની ધરપકડ કરી છે. ત્યારબાદ સંજયની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેણે અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરમાંથી ચાર બાઇક, ત્રણ રીક્ષા અને 1 છોટાહાથીની ચોરી કરી છે. બાદમાં જાણવા મળ્યું કે સંજય દોઢ વર્ષ પહેલાં પ્રાંતિજ વિસ્તારમાં 23 વાહન ચોરીના ગુનામાં પકડાયો ત્યારે તે સગીર વયનો હતો. જે કેસમાંથી બહાર આવ્યા બાદ તેણે અન્ય એક આરોપી સાથે મળીને પ્રાંતિજ, અમદાવાદ ગાંધીનગરમાંથી 33 વાહનો ચોર્યા હતા. બાદમાં સેક્ટર-7 પોલીસે તેને ઝડપી લીધો હતો. જુલાઈ-2019માં સંજયને સેક્ટર-7 પોલીસે 33 વાહન ચોરીના કેસમાં પકડ્યો ત્યારબાદ તે જેલમાં હતો. તે દિવાળીનો તહેવાર હોવાથી સંજયને રેગ્યુલર જામીન મળ્યા હતા. જે બાદ ત્રણ મહિનામાં તેને આઠ વાહન ચોરીને અંજામ આપ્યો હતો. આરોપી સંજય ભીડવાળી જગ્યાએએ ડુપ્લીકેટ ચાવીથી વાહનો ચોરતો હતો અને તેને વેચીને મોજશોખ પૂરા કરતો હતો.