ચેકિંગ માટે રોકતાં ચાલકે બે પોલીસકર્મી પર ચડાવી દીધી કાર !

લોકોએ રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ

ચેકિંગ માટે રોકતાં ચાલકે બે પોલીસકર્મી પર ચડાવી દીધી કાર !
અકસ્માત સર્જનારી સેન્ટ્રો કાર

Mysamachar.in-મોરબીઃ

ટ્રાફિકના નિયમોમાં થયેલા સુધારા બાદથી સામાન્ય જનતા તથા અધિકારીઓ મહદઅંશે પાલન કરી રહ્યાં છે, જો કે હજુ પણ કેટલાક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોષ તેઓ ટ્રાફિક પોલીસ પર ઉતારી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. આવી જ એક ઘટના મોરબીમાં સામે આવી છે. અહીં ચેકિંગ માટે રોકતાં કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી TRB જવાન અને પોલીસકર્મીને અડફેટે લીધા હતા.

મોરબીમાં માળિયા ફાટક પાસેથી પસાર થઇ રહેલી એક સેન્ટ્રો કારને સ્થળ પર હાજર TRB જવાન ફારુક સુમરા અને પોલીસકર્મી ભાવેશ નાટિયાએ ચેકિંગ માટે અટકાવી હતી. જો કે ચાલકે કારને બંને જવાન પર ચડાવી દીધી જેના કારણે બંનેને ગંભીર ઇજા પહોંચી હતી. ઘાયલ બંને જવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસકર્મીએ ચેકિંગ માટે કાર રોકાવી હતી, જો કે કાર ચાલક દ્વારા કારને ઉભી રાખવામાં ન આવતા મામલો બીચક્યો હતો. બાદમાં પોલીસે કાર ચાલકની અટકાયત કરી હતી.

લોકોએ રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ

ઘટના બાદ માળિયા ફાટક પાસે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતા. તો એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પોલીસકર્મી અને કાર ચાલક વચ્ચે રકઝક થઇ હતી ત્યારબાદ પોલીસકર્મીએ કાર ચાલકને માર માર્યો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને નેશનલ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. જો કે ઘટના બાદ  મોરબી ડીવાયએસપી, બી ડીવીઝન પીઆઈ, એસઓજી પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને સ્થિતિ વણશે એ પહેલા કાબુમાં લીધી હતી.