બહેનના લગ્નની ભાઇએ આપી દારૂની પાર્ટી, રંગમાં ભંગ પાડ્યો

ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ અને દારૂ પાર્ટી ચાલતી હતી

બહેનના લગ્નની ભાઇએ આપી દારૂની પાર્ટી, રંગમાં ભંગ પાડ્યો
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

હાલ રાજ્યમાં લગ્નની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. એવામાં અમદાવાદમાં લગ્નની ખુશીની દારૂની મહેફિલ માણી ઉજવણી કરવામાં આવી રહી હતી, જો કે પોલીસે રંગમાં ભંગ પાડી 14 નબીરાઓની ધરપકડ કરી છે. નવાઇની વાત એ છે કે ગ્રાઉન્ડમાં એક તરફ ક્રિકેટની મેચ ચાલી રહી હતી અને બીજી બાજુ 14 શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યાં હતા. આવી રીતે ખુલ્લેઆમ ચાલતી દારૂની પાર્ટીથી અનેક સવાલો ઉઠ્યા છે. ઝડપાયેલા શખ્સોની પૂછપરછમાં જાણવા મળ્યું કે એક યુવકની બહેનના લગ્ન હતા, જેની ખુશીમાં તેણે મિત્રોને દારૂની પાર્ટી આપી હતી. પોલીસે 9 દારૂની બોટલ, 7 ખાલી બોટલ, નમકીનના પડીકા કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે અડાલજ પોલીસને બાતમી મળી હતી કે ત્રિમંદિર રોડ પર સોહમ કોલ્ડ સ્ટોરેજ પાસે આવેલા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ ચાલી રહી છે. કેટલાક છોકરા અને છોકરીઓ ત્યાં બેઠા છે અને તેની બાજુમાં જ કેટલાક લોકો દારૂની મહેફિલ પણ માણે છે. પોલીસને જોતા જ ગ્રાઉન્ડમાં નાસભાગ મચી હતી. પોલીસે 14 જેટલા શખ્સોને દારૂના નશામાં ઝડપી લીધા હતા, આ દરમિયાન પોલીસે કેટલીક યુવતીઓની પણ અટકાયત કરી હતી, જો કે તેમાંથી કોઇએ નશો ન કર્યો હોવાથી તેઓને જવા દીધી હતી. બાદમાં તપાસમાં જાણવા મળ્યું કે ઘાટલોડિયાની ન્યુ ઉમિયાવિજય સોસાયટીમાં રહેતા કેવિન પટેલે તેની બહેનના લગ્ન હોવાથી મિત્રો અને ફેમિલીને દારૂની પાર્ટી આપી હતી. પોલીસે સોહમ પ્રજાપતિ ( ગાંધીનગર), રૂમિત પટેલ (આંબાવાડી, અમદાવાદ), અર્પિત શાહ (આંબાવાડી, અમદાવાદ), મીલન પટેલ ( ટેલીફોન એક્સચેન્જ, બોપલ ), પાર્થ પટેલ (નારણપુરા ), સૌમીલ પટેલ (અગ્રવાલ ટાવર, અમદાવાદ), સંકેત પટેલ (હિમાલીયા મોલ ), ધ્રુવ પટેલ (ગુલાબટાવર, થલતેજ ), વિશ્વજીતસિંહ રાણા (થલતેજ ), નકુલ પટેલ (બોડકદેવ), ચિરાગ પટેલ (ઘાટલોડીયા), જીગર પટેલ (ઉસ્માનપુરા ), વંદીત પટેલ (નવરંગપુરા), કેવીન પટેલ (ઘાટલોડીયા) નામના શખ્સોની ધરપકડ કરી છે.