કોન્સ્ટેબલને જાતિ કારણે હડધૂત કરી આશ્રમની ભોજનશાળામાં પ્રવેશ ન અપાતા વિવાદ

એટ્રોસિટીની ફરિયાદ

કોન્સ્ટેબલને જાતિ કારણે હડધૂત કરી આશ્રમની ભોજનશાળામાં પ્રવેશ ન અપાતા વિવાદ

Mysamachar.in-જામનગરઃ

જામનગરના જામજોધપુરમાં ફરી એકવાર જાતિ આધારે હડધૂત કર્યાની ઘટના સામે આવી છે. અહીં ગોપ ગામમાં સ્થિત ગોપનાથ મહાદેવ મંદિરના આશ્રમની ભોજનશાળામાં ત્રણ વ્યક્તિ દ્વારા એક કોન્સ્ટેબલને પ્રવેશ અટકાવતા વિવાદ વકર્યો છે. જાતિ આધારે હડધૂત કરતાં પોલીસ કોન્સ્ટેબલે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જામજોધપુરમાં આવેલા ગોપ ગામમાં સ્થિત ગોપનાથ મહાદેવ આશ્રમની ભોજનશાળામાં ચાલુ ફરજે પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઇ ગોવિંદભાઇ ખરા જમવા માટે ગયા હતા, એ દરમિયાન ભોજનશાળામાં રસોઇ કામ કરતાં બાબુભાઇ પટેલ અને સંજયભાઇએ જાતીના કારણે અંદર પ્રવેશવાની ના પાડી હતી. ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલે મંદિરના પુજારી હંસગીરીબાપુને વાત કરી તો તેઓએ પણ જાતિ આધારે હડધૂત કરી અપમાનીત કર્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો પર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં પોલીસ કોન્સ્ટેબલ તથા પુજારી વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી રહી હોવાનું દેખાઇ રહ્યું છે જેમાં પુજારી એવું કહી રહ્યાં છે કે તારે જે કલમ લગાવી હોય એ લગાવ, તમારે અહીં આવવું નહીં, તો સામા પક્ષે પોલીસ કોન્સ્ટેબલ એવું કહે છે કે તમે અહીં બોર્ડ મારી દો કે આ જ્ઞાતિના લોકોએ અહીં આવવું નહીં. પોલીસે કોન્સ્ટેબલની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.